VIDEO: પંચમહાલમાં વરસાદી ખેંચથી હાહાકાર દોઢ લાખ હેક્ટરમાં મકાઈ અને ડાંગરનો પાક સુકાયો!
પંચમહાલમાં વરસાદી ખેંચથી હાહાકાર
દોઢ લાખ હેક્ટરમાં મકાઈ અને ડાંગરનો પાક સુકાયો!
પાણી વગર સુકાતી ખેતી જોઈ પંચમહાલના ધરતીપુત્રો ચિંતાતુર!
પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ અચાનક વિરામ લેતાં ધરતીપુત્રો પર આફતના વાદળો ઘેરાયા છે. પંથકના ખેડૂતોએ મકાઈ, ડાંગર અને તુવેર જેવા મુખ્ય પાકોનું આશરે દોઢ લાખ હેક્ટર જમીનમાં વાવેતર કર્યું હતું. પરંતુ હવે પાક તૈયાર થવાની અણી પર છે ત્યારે જ વરસાદ ગાયબ થઈ જતાં જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. ખેડૂતો હવે વરુણદેવને રીઝવવા માટે કાલાવાલી અને પ્રાર્થનાઓ કરવા મજબૂર બન્યા છે. વરસાદી ખેંચના કારણે મકાઈના ઉભા પાકમાં લશ્કરી ઈયળોનો ભારે ઉપદ્રવ શરૂ થઈ ગયો છે, જે પાકને કોરી ખાઈ રહ્યો છે. બીજી તરફ, ડાંગરના પાકને હાલ પાણીની અત્યંત જરૂરિયાત છે, પરંતુ વરસાદ ન વરસતાં પાક સુકાવાની આરે પહોંચ્યો છે. કાસોડી ગામના વસંતભાઈ અને ખેડૂત જાલમભાઈએ વ્યથા ઠાલવતાં જણાવ્યું કે પંચમહાલના મહત્તમ ખેડૂતો ચોમાસું ખેતી પર જ નિર્ભર છે. જો આગામી બે-ચાર દિવસમાં વરસાદ નહીં વરસે તો ખેતી તારાજ થઈ જશે અને પરિવારનું ગુજરાન ચલાવવા અન્ય જિલ્લાઓમાં મજૂરી માટે રઝળપાટ કરવી પડશે.
વરસાદ નહીં પડે તો ગુજરાન ચલાવવા મજૂરી અર્થે પલાયન કરવા ખેજૂતો મજબૂર!
ક્ષતિગ્રસ્ત કેનાલોના કારણે પાણીથી વંચિત રહ્યા ખેડૂતોના ખેતરો!
જિલ્લામાં આ વર્ષે પૂરતો વરસાદ ન પડતાં ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા નથી, જેના લીધે બોર-કુવા નિષ્ફળ નીવડી રહ્યા છે. જળાશયોમાંથી સિંચાઈનું પાણી આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સ્થાનિક કેનાલો બિસ્માર અને ક્ષતિગ્રસ્ત હોવાથી છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચી શકતું નથી. પંચમહાલના જિલ્લા ખેતીવાડી અધિકારી એ.જી. પટેલે પણ સ્થિતિ ગંભીર હોવાનું સ્વીકારી ખેડૂતોને જરૂરી તકનીકી માર્ગદર્શન આપવાની ખાતરી આપી છે. કટોકટીની આ ક્ષણોમાં બરબાદીના આરે ઊભેલા પંચમહાલના ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાકીદે ગુહાર લગાવી છે. ખેડૂતોની માગ છે કે પ્રશાસન દ્વારા ત્વરિત અસરગ્રસ્ત વિસ્તારોનો સાચો સર્વે કરાવીને પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ સાથે જ સમગ્ર પંચમહાલ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી ઉગારવા માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

