VIDEO: દાહોદમાં વાંસકામ અને હસ્તકલાથી બદલાઈ મહિલાઓની તસવીર! દૂધી અને વાંસમાંથી સર્જાતી અદ્ભુત કલા
દાહોદમાં વાંસકામ અને હસ્તકલાથી બદલાઈ મહિલાઓની તસવીર!
દૂધી અને વાંસમાંથી સર્જાતી અદ્ભુત કલા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા મંગલમહુડી ગામના એક નાના રૂમમાંથી સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણની પ્રેરણાદાયી મિસાલ સામે આવી છે. ગામના વિછિયાભાઈ ભાભોર અને તેમના પત્ની કપિલાબેને પોતાની મહેનત તથા હુનરના બળે માત્ર પરિવારની આર્થિક સ્થિતિ સુધારી નથી, પરંતુ ગામની અન્ય બહેનો માટે પણ આજીવિકાનું ઉત્તમ સાધન પૂરું પાડ્યું છે. એક સમયે મર્યાદિત ખેતીવાડી પર નિર્ભર રહેતા આ પરિવારે ચાર મહિનાની તાલીમ મેળવીને વાંસકામ ક્ષેત્રે પોતાની અનોખી ઓળખ બનાવી છે.તાલીમ લીધા બાદ આ દંપતીએ વાંસ અને સુકવેલી દૂધીમાંથી વિવિધ આકર્ષક હસ્તકલાની વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું હતું. આ કામગીરીનો વ્યાપ વધતાં તેમણે 'પાર્વતી સખી મંડળ'ની સ્થાપના કરી અને ગામની ૧૦ જેટલી બહેનોને તાલીમ આપીને પોતાની સાથે જોડી. આજે આ રૂમમાં ટોકરી, પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, લેમ્પ, વોટર બોટલ અને તોરણ જેવી અસંખ્ય ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. દૂધી અને વાંસ સ્થાનિક સ્તરેથી જ મળી રહે છે, જ્યારે શણગારની સામગ્રી વડોદરા અને અમદાવાદથી લાવવામાં આવે છે.
રાજ્યભરના મેળાઓમાં દાહોદની હસ્તકલાનો દબદબો!
ગૃહિણીઓ બની ગ્રામીણ અર્થતંત્રની મજબૂત કડી!
મંડળની સભ્યો જમનાબેન અને ચંપાબેન સહિતની મહિલાઓ હવે આ હસ્તકલાના માધ્યમથી પોતાના પગભર બનીને આત્મનિર્ભરતાનો અનુભવ કરી રહી છે. વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓમાં સ્ટોલ લગાવીને તેઓ પોતાની કૃતિઓનું વેચાણ કરે છે, જેનાથી ગ્રામીણ કલાને મોટા બજારો સુધિ પહોંચાડવાનો માર્ગ મોકળો થયો છે. આ કામથી દરેક પરિવારની આવકમાં સારો એવો વધારો જોવા મળ્યો છે અને ખેતીની સાથે આ ગૃહઉદ્યોગ તેમની કમાણીનો મુખ્ય આધાર બની ગયો છે.વિછિયાભાઈ ભાભોરે પોતાનો કૌશલ્ય આધારિત વિકાસ માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા અન્ય મહિલાઓને પણ રોજગારીનું માધ્યમ પૂરું પાડ્યું છે. આ દંપતીની સંઘર્ષ અને સફળતાની સફરે પુરવાર કર્યું છે કે જો ઈચ્છાશક્તિ હોય તો મર્યાદિત સાધનો વચ્ચે પણ આત્મનિર્ભર બનીને સમાજમાં મોટો બદલાવ લાવી શકાય છે. દાહોદના મંગલમહુડી ગામનું આ મોડેલ આજે સમગ્ર પંથક માટે પ્રેરણાસ્રોત બન્યું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

