VIDEO: છોટાઉદેપુરમાં ભર ચોમાસે જળસંકટ જીવાદોરી સમાન ઓરસંગ નદી સુકાવાના આરે!
છોટાઉદેપુરમાં ભર ચોમાસે જળસંકટ
જીવાદોરી સમાન ઓરસંગ નદી સુકાવાના આરે!
રેતી ખનન અને અછતનો બેવડો માર
છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી અને પંથકની જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં ભર ચોમાસે પાણીનો પ્રવાહ ઘટી જતાં નદી સુકાવા લાગી છે. ચાલુ વર્ષે જિલ્લામાં અપેક્ષા કરતાં ઓછો વરસાદ પડવાના કારણે અને ગેરકાયદેસર રેતી ખનનને લીધે ઓરસંગ નદીમાં પાણી અટકતું નથી. પરિણામે આગામી દિવસોમાં સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. ઓરસંગ નદી છોટાઉદેપુર, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા તાલુકામાંથી પસાર થઈ આગળ નર્મદા નદીમાં ભળે છે. આ નદીના કાંઠે આશરે ૨૦૦ જેટલાં ગામો આવેલાં છે. જો નદીનો પ્રવાહ સંપૂર્ણપણે ઘટી જશે તો નદી કાંઠાના ગામોના ખેડૂતો માટે સિંચાઈનો વિકટ પ્રશ્ન ઊભો થશે, સાથે જ ભૂગર્ભ જળસ્તર ચિંતાજનક રીતે નીચે જતાં અનેક ગામોમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકે છે..
૨૦૦ ગામોમાં ભૂગર્ભ જળસ્તર નીચા જવાની ગંભીર ભીતિ!
ચેકડેમના અભાવે વરસાદી પાણી વહી ગયું, હવે પીવાના પાણીના ફાંફા!
સિંચાઈ અને પીવાના જળ સંકટ માટે તંત્ર સામે આક્રોશ!
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, બોડેલી અને સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ઓરસંગ નદીમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે તો જ નદીનો પ્રવાહ જાળવી શકાશે. ગ્રામજનોનો આરોપ છે કે જો સરકારે સમયસર ઓરસંગ નદી પર પૂરતા પ્રમાણમાં ચેકડેમ અને જળસંચયના કામો કર્યા હોત, તો વરસાદી પાણી સીધું વહી જવાને બદલે સ્થાનિક વિસ્તારમાં સંગ્રહિત થઈ શક્યું હોત. હાલ ચોમાસામાં પાણી ઝડપથી વહી જતાં અછતની સ્થિતિ ગંભીર બનવાનો ડર સેવાઈ રહ્યો છે. ખેડૂતો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે સંબંધિત તંત્ર દ્વારા નર્મદા કેનાલમાંથી ઓરસંગ નદીમાં પાણી છોડીને ૨૦૦ ગામોને ઉગારવામાં આવે અને નદી પર વધુ ચેકડેમ બનાવી જળસંચયના કામો ત્વરિત હાથ ધરવામાં આવે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

