VIDEO: છોટાઉદેપુરમાં જીવદયા પ્રેમી સાપ પકડવા ગયા બાદ કોબ્રાના ડંખથી જીવતો સાપ લઈને હોસ્પિટલ પહોંચ્યા
સોર્સ : gstv
છોટાઉદેપુર જિલ્લાના દેસણથી ફેરકુઆ ગામમાં રહેણાક મકાનમાંથી સાપ પકડવા ગયેલા જીવદયા પ્રેમી પ્રવીણભાઈ કોળીને એક ખતરનાક કોબ્રાએ ડંખ માર્યો હતો. સાપના ડંખ બાદ પણ પ્રવીણભાઈએ હિંમત દાખવી ડંખ મારનાર જીવતો કોબ્રા સાપ એક ડબ્બામાં ભરી લીધો હતો અને તાત્કાલિક બોડેલીની ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ડબ્બાની અંદર જીવતો કોબ્રા સાપ જોઈને તબીબો અને હાજર મેડિકલ સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અચાનક જીવતો સાપ હોસ્પિટલમાં આવી પહોંચતા થોડા સમય માટે દર્દીઓ અને સ્ટાફમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સદનસીબે સમયસર સારવાર મળી જવાથી પ્રવીણભાઈનો જીવ બચી ગયો હતો અને આ અનન્ય કિસ્સો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

