VIDEO: છોટાઉદેપુરમાં વરસાદની અછતથી મોટું સંકટ, નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ
વરસાદની અછતથી મધ્ય ગુજરાતનો આદિવાસી બેલ્ટ પર બાકાત નથી. છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદ ખેંચાતા નર્મદા કેનાલમાં પાણી છોડવાની માગ થઈ . છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લેતા ખેતરોમાં ઉભો પાક સુકાવાની સ્થિતિમાં પહોંચ્યો છે. નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકામાંથી નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલો પસાર થાય છે. નસવાડી તાલુકામાંથી નર્મદાની મેઈન કેનાલ પસાર થાય છે, જેના મારફતે પાણી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ બીજી તરફ નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે, મેઈન કેનાલમાં પાણી ઉપલબ્ધ હોવા છતાં સ્થાનિક બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને સિંચાઈનો મોટો લાભ મળી શકે છે. ખેડૂતોનું કહેવું છે કે, નર્મદાની મેઈન કેનાલ માટે જ્યારે તેમની જમીનો લેવામાં આવી હતી ત્યારે તેમને આશા હતી કે કેનાલનું પાણી તેમના ખેતરો સુધી પણ પહોંચશે. આજે એ જ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે.ખેડૂતોની માંગ છે કે સરકાર અને નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે જેથી તેમની સુકાતી મોલાત બચાવી શકાય.. હવે ખેડૂતોની નજર સરકારના નિર્ણય પર છે કે ક્યારે નર્મદે કેનાલમાં પાણી છોડવામાં આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે રાહત મળશે.

