VIDEO: કેદારનાથ યાત્રા માર્ગ પર કુદરતનો કોપ ચીરબાસા હેલીપેડ નજીક લેન્ડસ્લાઈડથી રસ્તો ક્ષતિગ્રસ્ત!
કેદારનાથ યાત્રા માર્ગ પર કુદરતનો કોપ
ચીરબાસા હેલીપેડ નજીક લેન્ડસ્લાઈડથી રસ્તો ક્ષતિગ્રસ્ત!
અલકનંદા અને મંદાકિનીમાં ભયજનક જળસ્તર વધતાં તંત્ર એલર્ટ!
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદને કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર મુસાફરો અને સ્થાનિકો માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ચીરબાસા હેલીપેડ નજીક અચાનક પહાડ પરથી ભેખડો ધસી પડતાં મુખ્ય માર્ગને આંશિક રીતે મોટું નુકસાન પહોંચ્યું છે. માર્ગ પર વિષમ પરિસ્થિતિ સર્જાતાં વાહનવ્યવહાર અને યાત્રાળુઓની અવરજવર ખોરવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ SDRF અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચીને રસ્તો પુનઃ શરૂ કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કામગીરી હાથ ધરી છે. બીજી તરફ, રુદ્રપ્રયાગ અને આસપાસના પહાડી વિસ્તારોમાં સતત વરસી રહેલા મુસળધાર વરસાદને કારણે અલકનંદા અને મંદાકિની નદીઓના જળસ્તરમાં ભયજનક ઉછાળો નોંધાયો છે. બંને પવિત્ર નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ઉફાણે વહી રહી છે, જેના કારણે કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે. નદીઓના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અને સાવચેત રહેવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભારે વરસાદ વચ્ચે નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસવા સૂચના!
ભૂસ્ખલન અને પૂરે વધારી ચોધામ યાત્રાળુઓની ચિંતા!
ભારે વરસાદ અને ભ્રંશના કારણે કેદારનાથ ધામ તરફ જતા યાત્રાળુઓની સુરક્ષા સામે મોટો પડકાર ઊભો થયો છે. ચીરબાસા હેલીપેડ પાસે માર્ગનો એક ભાગ ક્ષતિગ્રસ્ત થતાં યાત્રામાં વિઘ્ન સર્જાયું છે. SDRF દ્વારા જાહેર કરાયેલા દ્રશ્યોમાં નદીઓનો ઘસમસતો પ્રવાહ અને ધસી પડેલા પહાડોનો કાટમાળ સ્પષ્ટ જોઈ શકાય છે.. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ માર્ગોની સ્થિતિ સુધરે ત્યાં સુધી યાત્રાળુઓને સાવચેતીપૂર્વક આગળ વધવા અપીલ કરાઈ છે. ઉત્તરાખંડના પહાડોમાં બદલાયેલા આ સિતમગાર હવામાને પવિત્ર કેદારનાથ યાત્રા પર કામચલાઉ બ્રેક લગાવી દીધી છે. અલકનંદા અને મંદાકિનીના ભયાનક વહેણ વચ્ચે વહીવટીતંત્ર ચોવીસે કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરવી અત્યંત જોખમી બની હોવાથી સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સરકારી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

