VIDEO: મનાલીમાં ચોમાસાની વિદાય સાથે રોનક પૂર્વવત પ્રવાસીઓની ભીડથી મોલ રોડ અને વાદીઓ ધમધમી!
મનાલીમાં ચોમાસાની વિદાય સાથે રોનક પૂર્વવત
પ્રવાસીઓની ભીડથી મોલ રોડ અને વાદીઓ ધમધમી!
સપ્ટેમ્બરમાં સેલાણીઓનો જમાવડો, વેપારીઓમાં ખુશીનો માહોલ!
ચોમાસું ધીમે ધીમે ઓસરતાં જ હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલીમાં પ્રવાસીઓની ચહલપહલ ફરી એકવાર વધી ગઈ છે. ચોમાસા દરમિયાન કુદરતી આફતો અને ભૂસ્ખલનના ડરથી પ્રવાસીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે હવામાન ઉઘાડું નીકળતાં જ સૈલાણીઓ હિમાચલના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા મનાલી તરફ વળી રહ્યા છે. મનાલીના મલ્ટી-લેવલ પાર્કિંગ, મોલ રોડ અને સોલાંગ વેલી જેવા પ્રમુખ આકર્ષણો પર દેશભરમાંથી આવતા મુલાકાતીઓની ભીડ જોવા મળી રહી છે. ચોમાસાની મંદી બાદ સપ્ટેમ્બર મહિનામાં પ્રવાસીઓનો ઘોડાપૂર આવતાં સ્થાનિક હોટેલિયર્સ, ટેક્સી ચાલકો અને નાસતા-પાણીના વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ચોમાસું નબળું પડતાં જ રોડ કનેક્ટિવિટી સુધરી છે, જેના કારણે સડક માર્ગે આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
વરસાદ ઓસરતાં મનાલી ગુલઝાર
સોલાંગ વેલીથી લઈને હડિમ્બા ટેમ્પલ સુધી ટૂરિસ્ટોનો ધમધમાટ!
પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને આશા છે કે સપ્ટેમ્બર મહિનો તેમના ધંધા-રોજગાર માટે નવો વળાંક સાબિત થશે. ઓગસ્ટ મહિના સુધી થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ હવે સપ્ટેમ્બર અને આગામી તહેવારોની સીઝનમાં થઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક પ્રશાસને પણ પ્રવાસીઓની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ સુવિધાઓ ઉભી કરી છે. મનાલીની આહલાદક વાદીઓ અને ખુશનુમા હવામાનનો લુત્ફ ઉઠાવવા માટે આગામી દિવસોમાં એડવાન્સ હોટેલ બુકિંગમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાય સાથે જ હિમાચલનું ટૂરિઝમ સેક્ટર ફરી એકવાર ધમધમવા લાગ્યું છે, જે પ્રદેશની અર્થવ્યવસ્થા માટે અત્યંત રાહતજનક સમાચાર છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

