VIDEO: જમ્મુ-કાશ્મીરના રામબનમાં સફરજનની ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો સમન્વય
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પરંપરાગત સફરજનની ખેતીથી અલગ હવે ખેડૂતો આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છે. રામબનના એક ખેડૂતે અલ્ટ્રા હાઈ ડેન્સિટી એપલ ફાર્મિંગ અપનાવી છે. આ પદ્ધતિમાં સામાન્ય સફરજનના બગીચાની સરખામણીએ એક જ વિસ્તારમાં વધુ સંખ્યામાં નાના કદના છોડનું વાવેતર કરવામાં આવે છે. રામબનના ખેડૂત રહમતુલ્લાહ રુનયાલે પોતાના ખેતરમાં આ નવી પદ્ધતિથી સફરજનની વિવિધ જાતોનું વાવેતર કર્યું છે. ખાસ વાત એ છે કે તેમના બગીચામાં ઇટાલી, ન્યૂઝીલેન્ડ અને અન્ય દેશોમાં વિકસિત અથવા ત્યાં પ્રચલિત હાઈ ડેન્સિટી એપલ ટેકનોલોજી સાથે જોડાયેલી જાતો અને રોપણી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં હાઈ ડેન્સિટી એપલ પ્લાન્ટેશનને પ્રોત્સાહન આપવાની શરૂઆત અગાઉથી થઈ ચૂકી છે. જેમા ઇટાલીના ટ્રેન્ટિનો-આલ્ટો અડિજે વિસ્તારમાંથી આયાત કરાયેલા રૂટસ્ટોકનો પણ ઉપયોગ થયો છે.
અલ્ટ્રા હાઈ ડેન્સિટી ખેતીનો મુખ્ય ઉદ્દેશ્ય ઓછા વિસ્તારમાં વધુ છોડ ઉગાડીને ઉત્પાદન અને જમીનની ઉત્પાદકતા વધારવાનો છે. સામાન્ય બગીચામાં વૃક્ષો વચ્ચેનું અંતર વધારે હોય છે, જ્યારે હાઈ ડેન્સિટી સિસ્ટમમાં છોડ નજીક-નજીક રોપવામાં આવે છે. તેમને સપોર્ટ સિસ્ટમ તથા વૈજ્ઞાનિક કાપણી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં ડ્વાર્ફિંગ રૂટસ્ટોકનો ઉપયોગ પણ થાય છે. જેના કારણે છોડનું કદ નિયંત્રિત રહે છે. વહેલા ફળ આવવાની શક્યતા રહે છે.
જમ્મુ-કાશ્મીરમાં હાઈ ડેન્સિટી એપલ ખેતીને લઈને થયેલા અભ્યાસો અનુસાર પરંપરાગત ખેતીની સરખામણીએ આ પદ્ધતિમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન વધાવાની સંભાવના મોટી છે. ઇટાલી અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં હાઈ ડેન્સિટી ઓર્ચર્ડ મેનેજમેન્ટ લાંબા સમયથી કરવામાં આવે છે. ત્યાં ઊંચી વૃક્ષ ઘનતા સાથે વૈજ્ઞાનિક રીતે બગીચાનું સંચાલન કરવામાં આવે છે. હવે આ ટેકનોલોજી જમ્મુ-કાશ્મીરના ખેડૂતો સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
હાઈ ડેન્સિટી ખેતીમાં શરૂઆતનું રોકાણ પરંપરાગત બગીચા કરતાં વધારે હોય છે. કારણ કે રોપા ઉપરાંત સપોર્ટ સિસ્ટમ, સિંચાઈ, ફર્ટિગેશન અને અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે. ખર્ચની સામે ફાયદો છે કે વહેલા ફળ મળવા અને વધુ ઉત્પાદન મળે છે. રામબનમાં ખેડૂત રહીમતુલ્લાહ દ્વારા કરવામાં આવેલો આ પ્રયોગ જમ્મુ-કાશ્મીરમાં સફરજનની ખેતીને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.
---- બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

