VIDEO: ANDARNI VAAT / જમ્મુ-કાશ્મીરના કોટરાંકામાં હડકાયા કૂતરાનો ત્રાસ: સુરક્ષા અર્થે ૯ પંચાયતોમાં શાળાઓ બંધ!
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લા હેઠળ આવતા કોટરાંકા વિસ્તારમાં હડકાયા કૂતરાના હુમલાને કારણે સમગ્ર પંથકમાં દહેશત અને ભયનો માહોલ સર્જાયો છે. એક હડકાયા કૂતરાએ અનેક લોકોને બચકા ભરીને ઈજાગ્રસ્ત કરતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. નાગરિકો અને ખાસ કરીને નાના બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આસપાસની ૯ પંચાયતોમાં આવેલી તમામ શાળાઓને સાવચેતીના ભાગરૂપે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ, વહીવટી ટીમ અને સીઆરપીએફના જવાનો દ્વારા આ હડકાયા કૂતરાને શોધી કાઢવા અને તેને પકડીને નિષ્ક્રિય કરવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કોટરાંકાના એડીસી દલમીર ચૌધરીએ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને સુરક્ષા પગલાં કડક બનાવ્યા છે. બીજી તરફ, કૂતરાના હુમલાનો ભોગ બનેલા નાગરિકોને તાત્કાલિક સ્થાનિક કેન્ડી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મેડિકલ ઓફિસર ડોક્ટર ગુલામના માર્ગદર્શન હેઠળ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે..
વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક રહીશો અને વાલીઓને સાવચેત રહેવાની ખાસ અપીલ કરવામાં આવી છે. લોકોને પોતાના બાળકોને ઘરની બહાર એકલા ન મોકલવા અને કૂતરો દેખાય તો તુરંત પોલીસ કે સર્ચ ટીમને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સશસ્ત્ર દળો અને પોલીસની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે જેથી વધુ કોઈ અપ્રિય ઘટના ન ઘટે. આટલા મોટા પાયે શાળા બંધ રાખીને કૂતરાને પકડવાનું ઓપરેશન ચાલી રહ્યું હોવાથી સમગ્ર કોટરાંકા પંથકમાં ભારે ચર્ચા જાગી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

