VIDEO: ૬૦ પ્લસ વયની મહિલાઓને મફત બસ પ્રવાસની સોગાત!
મુરાદાબાદમાં વરિષ્ઠ મહિલાઓમાં ખુશીની લહેર
૬૦ પ્લસ વયની મહિલાઓને મફત બસ પ્રવાસની સોગાત!
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ૬૦ વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની યોજના ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણયને લઈને મુરાદાબાદની વયસ્ક મહિલાઓમાં ભારે ઉત્સાહ, ખુશી અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. મુરાદાબાદના બસ સ્ટેન્ડ અને જાહેર સ્થળો પરથી સામે આવેલા દ્રશ્યોમાં વૃદ્ધ મહિલાઓ સરકારના આ નિર્ણાયક પગલાંની મુક્ત મને પ્રશંસા કરતી નજરે પડી રહી છે. પોતાના દૈનિક કામકાજ, યાત્રા-ધામ કે સગા-સંબંધીઓના ઘરે જવા માટે વારંવાર મુસાફરી કરતી મહિલાઓ માટે આ યોજના આર્થિક રીતે મોટી રાહતરૂપ સાબિત થશે. વરિષ્ઠ મહિલાઓએ એકબીજાને મોં મીઠું કરાવીને અને હસી-ખુશી સાથે આ જાહેરાતને વધાવી લીધી હતી.
યોગી સરકારની મહિલાઓને મોટી ભેટ
હવે વડીલ મહિલાઓ સરકારી બસમાં વિનામૂલ્યે કરી શકશે મુસાફરી
સ્થાનિક વયસ્ક મહિલાઓએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આ યોજનાથી તેમની અન્ય પરની આર્થિક નિર્ભરતા ઘટશે. મહિલાઓનું કહેવું છે કે વધતી મોંઘવારીમાં બસ ભાડું ચૂકવવું ઘણીવાર મુશ્કેલ બનતું હતું, પરંતુ હવે મફત પ્રવાસની સુવિધા મળવાથી તેઓ આત્મનિર્ભર બનીને ગમે ત્યાં મુસાફરી કરી શકશે. તેઓએ સરકારના આ પગલાંને સન્માનજનક અને મહિલા સશક્તિકરણ તરફનું મોટું કદમ ગણાવ્યું હતું. મુરાદાબાદ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ યોજનાની અમલવારીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સરકારી યોજનાનો લાભ મેળવવા માટે વૃદ્ધ મહિલાઓમાં અનેરો ઉત્સાહ છે, જેનાથી બસ ડેપો પર પણ સકારાત્મક માહોલ સર્જાયો છે. ૬૦ વર્ષથી વધુ વયની મહિલાઓને મફત મુસાફરીની સોગાત આપીને યોગી સરકારે રાજ્યના સિનિયર સિટીઝન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી બતાવી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

