VIDEO: નેપાળ-તિબેટ સરહદે પ્રલય, સ્યાબ્રુબેસીમાં પૂરથી આખું ગામ અને બજાર પાણીમાં તણાયા!
નેપાળ-તિબેટ સરહદે પ્રલય
સ્યાબ્રુબેસીમાં પૂરથી આખું ગામ અને બજાર પાણીમાં તણાયા!
કુદરતી આફતે વિખેરી જિંદગી, નેપાળ સરહદે ભયાનક તારાજી!
નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લાના સ્યાબ્રુબેસી વિસ્તારમાં આકસ્મિક પૂર અને ભૂસ્ખલને ભયાનક વિનાશ વેર્યો છે. સતત પડી રહેલા મુસળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને ઝરણાઓ ઉફાન પર આવતા આખેઆખું ગામ અને સ્થાનિક બજાર પૂરના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા છે. આ ભયાનક કુદરતી આફતને કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. પૂરના હિચકારા પ્રવાહમાં માર્ગો, પુલો અને માળખાકીય સુવિધાઓ તણાઈ જતાં સ્યાબ્રુબેસીથી તિબેટ સરહદ નજીકના મહત્વપૂર્ણ વેપારી મથક તિમુરે તરફ જતો સંપર્ક માર્ગ સંપૂર્ણપણે કપાઈ ગયો છે. સંપર્ક તૂટી જવાના કારણે તિમુરે વિસ્તાર બાકીના દેશથી અલગ પડી ગયો છે. માર્ગો બંધ થતાં વેપાર-રોજગાર ઠપ્પ થઈ ગયા છે અને સરહદી વિસ્તારમાં હજારો લોકો અટવાઈ પડ્યા છે.
માર્ગો અને પુલો ધ્વસ્ત, ચીન-નેપાળ સરહદી વેપાર સંપૂર્ણ ઠપ્પ!
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ બળ અને સ્થાનિક પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂરના કારણે અનેક ઘરો, દુકાનો અને સરહદી વેપાર માટે ઉપયોગી ગોડાઉનો પાણી તથા કાદવમાં ગરકાવ થઈ ગયા છે. સેનાના જવાનો અને બચાવ ટુકડીઓ કાદવ અને કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની મથામણ કરી રહ્યા છે. સરહદી ક્ષેત્ર હોવાના કારણે આ પૂરની સીધી અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ પડી છે. વહીવટીતંત્ર દ્વારા પીડિત પરિવાર માટે અસ્થાયી આશ્રયસ્થાનો અને ખાદ્ય સામગ્રી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સતત ખરાબ હવામાન રાહત કામગીરીમાં મોટો અવરોધ બની રહ્યું છે. હાલ સમગ્ર સરહદી વિસ્તારમાં કટોકટી જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

