તિબેટ-નેપાળ સરહદે ફરી પૂરનો ખતરો! બેરિયર લેક ઓવરફ્લો થતા ચીને રેસ્ક્યૂ રોક્યું, બચાવકર્મીઓને 1 કિમી પાછળ ખસેડ્યા

નેપાળ અને તિબેટ (Tibet) સરહદ પર વિનાશક પૂર (Flood)ની તબાહી હજુ શમી નથી ત્યાં ફરી એકવાર મોટા પૂરનો ખતરો ઊભો થયો છે. ચીને શુક્રવારે ભોટેકોશી નદી (Bhotekoshi River) વિસ્તારમાં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation)ને અચાનક સ્થગિત કરી દીધું છે. અધિકારીઓને આશંકા છે કે નદીના પ્રવાહમાં બનેલી બેરિયર લેક (Barrier Lake) ઓવરફ્લો થવાથી આગામી સમયમાં ફરી અચાનક પૂર આવી શકે છે.
ચીનના સરકારી મીડિયા CCTV અનુસાર, સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તમામ રેસ્ક્યૂ ટીમોને હાલ જ્યાં છે ત્યાં જ રોકાવા અને આગળના આદેશની રાહ જોવા જણાવાયું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગયેલા બચાવકર્મીઓને પણ લગભગ 1 કિલોમીટર પાછળ ખસી જવા સૂચના આપવામાં આવી છે.
72 કલાકમાં ફરી પૂર આવવાની ચેતવણી
ચીન દ્વારા અગાઉ જ ચેતવણી આપવામાં આવી હતી કે બુધવારે આવેલા અચાનક પૂર (Flash Flood) બાદ ભોટેકોશી નદીના માર્ગમાં મલબા અને કાદવને કારણે એક બેરિયર લેક બની છે. આ ઝીલમાં પાણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને તે ઓવરફ્લો થવા લાગી છે.
ચીની અધિકારીઓનું કહેવું છે કે જો આ કુદરતી બંધ તૂટી જાય તો આગામી 72 કલાકમાં ફરી વિનાશક પૂર આવી શકે છે. આ કારણે રેસ્ક્યૂ ટીમોની સુરક્ષા પણ જોખમમાં હોવાથી ઓપરેશન રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં 469 લોકોના મોત
પૂરની આ વિનાશક ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 469 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 667 લોકો હજુ લાપતા છે. લાપતા લોકોમાં 127 નેપાળી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
તિબેટ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. ચીનના સરકારી મીડિયાએ ગુરુવાર સાંજ સુધીમાં 558 લોકો લાપતા હોવાની માહિતી આપી હતી. તેમાં 260 વિદેશી નાગરિકોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું હતું.
ગામો, રસ્તા અને પુલો પર તબાહી
બુધવારે તિબેટમાંથી ધસમસતો ભોટેકોશી નદીનો પ્રવાહ નેપાળના રસુવા જિલ્લામાં પ્રવેશ્યો હતો. ભારે પાણીના પ્રવાહે અનેક ઇમારતો, પુલો અને નદીકાંઠાના બાંધકામોને નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ગામો અને પ્રવાસી વિસ્તારો (Tourist Camps) કાદવ અને મલબામાં ફેરવાઈ ગયા છે.
રેસ્ક્યૂ ટીમો હજુ પણ નદીકાંઠાના વિસ્તારોમાં ફસાયેલા લોકોને શોધી રહી છે. જોકે, હવે નવી બેરિયર લેકના જોખમને કારણે બચાવ કામગીરી વધુ મુશ્કેલ બની છે.
શું છે બેરિયર લેક?
બેરિયર લેક એટલે નદીના કુદરતી પ્રવાહમાં કોઈ અવરોધ ઊભો થવાથી બનેલું તળાવ. સામાન્ય રીતે ભૂસ્ખલન (Landslide), મલબો અથવા ખડકો નદીનો માર્ગ રોકે ત્યારે તેની પાછળ પાણી એકઠું થતું જાય છે અને ઝીલનું સ્વરૂપ ધારણ કરે છે.
ભોટેકોશી નદીમાં પણ ભારે પૂર બાદ મલબો અને કાદવના કારણે પાણીનો કુદરતી પ્રવાહ અટક્યો હોવાનું જણાવાયું છે. જેના કારણે બનેલી આ ઝીલ હવે સંભવિત જોખમનું મોટું કારણ બની છે.
20.25 હેક્ટરમાં ફેલાયેલી ઝીલ
ચીનના જણાવ્યા અનુસાર, ગુરુવાર સવાર સુધી બેરિયર લેકમાં અંદાજે 20 લાખ ઘન મીટર પાણી એકઠું થઈ ગયું હતું. આગામી ત્રણ દિવસમાં તેમાં વધુ લગભગ 30 લાખ ઘન મીટર પાણી ઉમેરાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
સ્પેસ એનાલિટિક્સ (Space Analytics)ના મૂલ્યાંકન અનુસાર, નેપાળના ઊંચાઈવાળા લ્હેન્દે ખોલા વિસ્તારમાં બનેલી આ ઝીલ લગભગ 20.25 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી છે. જો પાણીનો દબાણ વધે અને કુદરતી બંધ તૂટી જાય તો નીચેના વિસ્તારોમાં ફરી અચાનક પૂર આવવાની ગંભીર આશંકા છે.
હાલમાં ચીન અને નેપાળના અધિકારીઓ માટે સૌથી મોટી પ્રાથમિકતા ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની સાથે બેરિયર લેકની સ્થિતિ પર સતત નજર રાખવાની છે. રેસ્ક્યૂ ટીમોને પાછી ખસેડવાનો નિર્ણય પણ સંભવિત બીજી આપત્તિથી બચાવકર્મીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે.

