VIDEO: રામગંગા અને કોસી નદીમાં પૂરથી હાહાકાર!
મુરાદાબાદમાં બેકાબૂ બન્યો કાળો કોપ
રામગંગા અને કોસી નદીમાં પૂરથી હાહાકાર!
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સતત વરસી રહેલા અવિરત વરસાદ અને પહાડી વિસ્તારોમાંથી ધસમસતા આવેલા પાણીના લીધે રામગંગા અને કોસી નદીઓ બે કાંઠે ઉભરાઈ છે. બંને નદીઓના જળસ્તરમાં ભયજનક વધારો થતાં કિનારાના અનેક નીચાણવાળા સોસાયટી વિસ્તારો તથા ગ્રામીણ વિસ્તારો જળમગ્ન બની ગયા છે. નદીઓના ઉછળતા પૂરના પાણી ઘૂસી જતાં મુરાદાબાદના સ્થાનિક જનજીવન પર વિપરીત અસર પડી છે.રામગંગા અને કોસી નદીના પૂરના પાણી ઘરો, દુકાનો અને મુખ્ય માર્ગો પર ફરી વળતાં વિષમ સ્થિતિ નિર્માણ પામી છે. રસ્તાઓ પર કેટલાય ફૂટ સુધી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા સેંકડો પરિવારો ઘરોમાં જ કેદ થવા મજબૂર બન્યા છે, જ્યારે કેટલાક લોકો પોતાના પશુધન અને કિંમતી સામાન સાથે સલામત અને ઊંચાણવાળા સ્થળોએ આશરો લેવા માટે સ્થળાંતર કરી રહ્યા છે.
નીચાણવાળા વિસ્તારો બન્યા જળમગ્ન
ઘરોમાં પૂરના પાણી ઘૂસતાં જનજીવન સંપૂર્ણ ઠપ!
સ્થાનિક રહીશોએ પોતાની આપવીતી ઠાલવતાં જણાવ્યું હતું કે, અચાનક નદીઓનું જળસ્તર વધી જવાથી ઘરોમાં રાખેલી ઘરવખરી અને અનાજનો જથ્થો પલળીને બરબાદ થઈ ગયો છે. પીવાના ચોખ્ખા પાણી અને વીજળી ગુલ થઈ જતાં લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પીડિતોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક ધોરણે બોટની વ્યવસ્થા કરવા, પીવાનું પાણી અને ભોજનના પેકેટો પહોંચાડવા માટે ગુહાર લગાવી છે.મુરાદાબાદથી સામે આવેલા ગ્રાઉન્ડ રિપોર્ટના તાજેતરના દ્રશ્યોમાં રામગંગા અને કોસી નદીનું રૌદ્ર સ્વરૂપ, જળમગ્ન બનેલા કાચા-પાકા મકાનો અને પાણી વચ્ચેથી પસાર થતાં લાચાર લોકો સ્પષ્ટ જોઈ શકાય છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન અને આપદા પ્રબંધન ટુકડીઓ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં સતત વોચ રાખીને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

