VIDEO: ખેડામાં એસ.ટી. ડ્રાઈવરનો પર્યાવરણ પ્રેમ
એસ.ટી. ડ્રાઈવરનો પર્યાવરણ પ્રેમ
ડ્યુટી બાદ ‘ક્લાઈમેટ રથ’ લઈને નીકળે છે જાગૃતિના મિશન પર!
ગ્લોબલ વોર્મિંગ સામે એક સામાન્ય માણસની અનોખી લડાઈ
આજના સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર બની ગયા છે, ત્યારે ખેડાના સમીર દિવાન પર્યાવરણ રક્ષણ માટે જમીની સ્તરે પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. ખેડા એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર તરીકે પોતાની રોજિંદી ફરજ પૂરી કર્યા બાદ સમીરભાઈ આરામ કરવાને બદલે એક અનોખા મિશન પર નીકળી પડે છે. તેઓ પોતાની જાતે બનાવેલી ખાસ ક્લાઈમેટ રથ એટલે કે પેડલ રિક્ષા લઈને ગામડે-ગામડે જાય છે અને સામાન્ય લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરે છે. પોતાની નોકરીના સમય બાદ તેઓ પેડલ રિક્ષા મારફતે શાળા-કોલેજો અને ગામડાંના જાહેર સ્થળોએ પહોંચી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સરળ ભાષામાં માહિતી આપે છે. તેઓ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો સમજાવે છે તેમજ ગામોમાં વિદ્યાર્થીઓ સાથે રેલી યોજીને જાગૃતિ ફેલાવે છે. આ સમગ્ર કામગીરી તેઓ સંપૂર્ણપણે પોતાના ખર્ચે કરે છે. અત્યાર સુધીમાં તેઓ આવી ત્રણ પેડલ રિક્ષા બદલી ચૂક્યા છે, જેમાં તેમણે પર્યાવરણ બચાવના ઉપાયો અને માર્ગદર્શન દર્શાવ્યા છે.
વેસ્ટમાંથી બનાવ્યા ૫૦ હજાર ડસ્ટબિન
ખેડાના સમીર દિવાનને મળ્યો ગુજરાત સરકારનો એવોર્ડ!
સમીરભાઈનું પર્યાવરણ પ્રત્યેનું યોગદાન માત્ર જાગૃતિ પૂરતું સીમિત નથી, પરંતુ નક્કર કામગીરીમાં પણ દેખાય છે. તેમણે વેસ્ટમાંથી બેસ્ટનો ઉત્તમ પ્રયોગ કરીને નકામી ચીજવસ્તુઓમાંથી આશરે ૫૦ હજાર જેટલી કચરાપેટીઓ તૈયાર કરી છે. આ ડસ્ટબિન્સનું તેમણે વિવિધ શાળાઓ અને જાહેર સ્થળો પર વિનામૂલ્યે વિતરણ કર્યું છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે. ધોરણ ૧૦ ના વિદ્યાર્થી મોહમ્મદ પઠાણ અને ધોરણ ૧૧ ની વિદ્યાર્થીની શબનમ બાનુ ખલીફાએ તેમના આ કાર્યથી પ્રેરણા મળી હોવાનું જણાવ્યું છે. તેમની આ ઉમદા કામગીરી બદલ વર્ષ ૨૦૨૪ માં ગુજરાત સરકાર દ્વારા તેમને ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ અને એસ.ટી. વિભાગ દ્વારા પણ ખાસ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. ખેડા એસ.ટી. ડેપો મેનેજર એફ. એમ. મલેક અને સાથી કર્મચારીઓ સમીરભાઈની આ સેવાકીય કામગીરી પર ગૌરવ અનુભવે છે અને તેમને પૂરો સાથ-સહકાર આપે છે. પોતાના અંગત ખર્ચે પર્યાવરણની સુરક્ષા માટે સમર્પિત સમીર દિવાન આજે સમાજ માટે એક પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

