VIDEO: મેઘાલયના વાહનોનો આસામમાં પ્રવેશબંધી, કમર્શિયલ ડ્રાઈવરોનો હલ્લાબોલ!
આસામ અને મેઘાલયની સરહદ પર આવેલા જોરાબટ વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. આસામના કમર્શિયલ વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું હતું. આ આંદોલન દરમિયાન આસામના આક્રોશિત ચાલકોએ મેઘાલય પાસિંગ ધરાવતા વાણિજ્યિક વાહનોને આસામની સીમામાં પ્રવેશતા અટકાવ્યા હતા, જેના કારણે આંતરરાજ્ય સરહદ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સ્થાનિક ચાલકોનો આક્ષેપ છે કે મેઘાલયમાં આસામના વાહનો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવે છે અને તેમને મુક્તપણે ધંધો કરવા દેવામાં આવતો નથી. આ ભેદભાવભરી નીતિ અને અન્યાયી વલણના વિરોધમાં જોરાબટના ચાલકો અને રહીશોએ વિરોધનો સૂર બુલંદ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ મેઘાલયના વાહનોને રોકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો, જેનાથી આસામ-મેઘાલય હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટનાના કારણે બંને રાજ્યો વચ્ચે માલસામાનની હેરફેર અને મુસાફરોની અવરજવર પર ગંભીર અસર પડી હતી. પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા બાદ હાઈવે પર મુસાફરો અને અન્ય વાહનચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. વિરોધ કરી રહેલા ચાલકોએ સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી મેઘાલયમાં આસામના વાહનચાલકોને સુરક્ષા અને સમાન અધિકાર પૂરા પાડવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત રાખવામાં આવશે..
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો કાફલો તાત્કાલિક જોરાબટ સરહદે પહોંચી ગયો હતો. શાંતિ જાળવવા અને ટ્રાફિક પૂર્વવત કરવા માટે પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓ સાથે વાટાઘાટો શરૂ કરવામાં આવી છે. સ્થિતિ વધુ ન વણસે તે માટે સરહદી વિસ્તારમાં વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

