Video: રણજીમાં ઇતિહાસ! મેઘાલયના આકાશ ચૌધરીએ 8 બોલમાં ફટકાર્યા સતત 8 છગ્ગા, તોડ્યો યુવરાજ-શાસ્ત્રીનો રેકોર્ડ!
ક્રિકેટની દુનિયામાં એક નવો અને અવિશ્વસનીય રેકોર્ડ નોંધાયો છે! સુરતમાં ચાલી રહેલી રણજી ક્રિકેટ ટ્રોફીની મેચમાં મેઘાલય ટીમના ક્રિકેટર આકાશ ચૌધરીએ ઇતિહાસ રચી દીધો છે. મેઘાલય અને અરુણાચલ પ્રદેશની રણજી ક્રિકેટ ટીમો વચ્ચેની મેચ દરમિયાન આકાશે બેટિંગમાં આક્રમકતાની તમામ સીમાઓ વટાવી દીધી હતી. તેમણે માત્ર 8 બોલમાં સતત 8 છગ્ગા ફટકારીને એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
આ સાથે જ, આકાશ ચૌધરીએ માત્ર 9 મિનિટ અને 11 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી (સૌથી ઝડપી અર્ધસદી) ફટકારીને યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા છે.
છ છગ્ગાનો રેકોર્ડ ભૂતકાળ બન્યો
ક્રિકેટ ચાહકોએ સતત છ છગ્ગાના રેકોર્ડ વિશે સાંભળ્યું છે. યુવરાજ સિંહે 2007ના T20 વર્લ્ડ કપમાં આ પરાક્રમ કર્યું હતું, જ્યારે રવિ શાસ્ત્રીએ પણ રણજી ટ્રોફીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
પરંતુ હવે સુરતના મેદાન પર આકાશ ચૌધરીએ સતત આઠ છગ્ગા ફટકારીને એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, જે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બની રહેશે.

