VIDEO: માંગરોળમાં વરસાદ ખેંચાતાં મગફળીનો પાક સુકાઈને ખાખ! પિયતના અભાવે માંગરોળ પંથકમાં ખેડૂતોની હાલત કફોડી!
માંગરોળમાં વરસાદ ખેંચાતાં મગફળીનો પાક સુકાઈને ખાખ!
પિયતના અભાવે માંગરોળ પંથકમાં ખેડૂતોની હાલત કફોડી!
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં વરસાદ ખેંચાતાં ખેડૂતો અને માલધારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. શરૂઆતમાં માંગરોળ પંથકમાં એક જ ઝાટકે આશરે ૪૨ ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો, પરંતુ તે પાણી દરિયામાં વહી ગયું હતું. ત્યારબાદ અચાનક વરસાદ ગાયબ થઈ જતાં ખેડૂતો દ્વારા કરાયેલા વાવેતર પર આફતના વાદળો ઘેરાયા છે અને મગફળીનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. માળિયા અને માંગરોળ પંથકના કરમદિ, ચિગરીયા તેમજ વલ્લભગઢ સહિતના અનેક વિસ્તારોમાં પિયત માટે પાણી ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે એક તરફ દરિયાના ખારા પાણીની ઘૂસણખોરી અને બીજી તરફ પિયત માટે મીઠા પાણીના સ્ત્રોતનો અભાવ કૃષિ ક્ષેત્રને બરબાદ કરી રહ્યો છે. પાક સુકાવાની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની ગંભીર અછત સર્જાઈ છે.
પાક સાથે પશુધન પર સંકટ, ઘાસચારાની ભારે તંગી!
તાલુકાને ત્વરિત દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દેવું માફ કરવાની ખેડૂતોની માંગ!
વલ્લભગઢના સ્થાનિક ખેડૂતો વીરસુર હરસુર ગઢવી અને કરણાભાઈ ગઢવીએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું કે મસમોટો ખર્ચ અને મહેનત કરીને વાવેલી મગફળી નજર સામે બળી રહી છે. પશુધનને બચાવવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે. મહેનત એળે જતાં અને દેવાનો બોજ વધતાં માંગરોળ પંથકના ધરતીપુત્રો આર્થિક પાયમાલીના આરે આવી પહોંચ્યા છે અને ભારે હતાશા અનુભવી રહ્યા છે. કુદરતની આ કટોકટી વચ્ચે ખેડૂતોએ સરકાર પાસે માંગરોળ તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત ખેડૂતોનું દેવું માફ કરવા અને માલધારીઓના પશુઓ માટે રાહત દરે ઘાસચારાની વ્યવસ્થા કરવાની આકરી રજૂઆત કરાઈ છે. હવે વહીવટીતંત્ર અને સરકાર આ ગંભીર સ્થિતિની નોંધ લઈને ક્યારે રાહત પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

