VIDEO: મહારાષ્ટ્રના યવતમાલમાં વરસાદની અછતને કારણે દુકાળ જેવી સ્થિતિ
મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં વરસાદની અછતને કારણે ખેતી ક્ષેત્ર પર ગંભીર અસર જોવા મળી રહી છે. જિલ્લાના પુસદ તાલુકા સહિતના વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાતા ખેતરોના ઉભા પાક સોયાબીન અને કપાસને મોટું નુકસાન થયું છે. સપ્ટેમ્બર મહિનામાં જ વરસાદ ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે. સોયાબીન અને કપાસના પાકને પુરતુ પાણી ન મળતા ઉભો પાક બળી ગયો છે. જો થોડા દિવસમાં વરસાદ નહીં પડે તો આ પા ફેઇલ થઇ જશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ ગંભીર બનશે. યવતમાલના ખેડૂતોને ચિંતા એટલા માટે છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં પાક તૈયાર થવાનો સમય આવ્યો ત્યારે જરૂરી વરસાદ ન મળતાં પાક સુકાઈ રહ્યો છે અને ખેતી પાછળ કરવામાં આવેલો ખર્ચ પણ પરત મળવાની આશા રહી થઈ નથી. ખેડૂત મનીષ જાધવે જણાવ્યું કે સતત પાક નિષ્ફળ જવાથી ખેડૂતો અને ખેતમજૂરોની આર્થિક મુશ્કેલી વધી છે. વરસાદ ખેચાતા હવે પાણી અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા પણ ગંભીર બની છે.
ખેડૂત દુર્ગાદાસ રાઠોડે ખેતીના ખર્ચ અને નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે સોયાબીનની ખેતી પાછળ પ્રતિ એકર અંદાજે 20થી 25 હજાર રૂપિયા ખર્ચ થયો છે. વરસાદ ખેચાતા અને દુકાળની સ્થિતિનું નિર્માણ થતા ખેતીમાં પાક થવાની શક્યતા દેખાતી નથી. આ સ્થિતિમાં ખેડૂતો માટે ઘરખર્ચ, બાળકોના શિક્ષણ અને પશુઓની સંભાળ રાખવી મુશ્કેલ બની રહી છે.
યવતમાલના અન્ય ખેડૂત સચિન સાખરેએ જણાવ્યું કે દુકાળની અસર માત્ર ખેડૂતો પૂરતી મર્યાદિત નથી. ખેતીના કામમાં ઘટાડો થતાં ખેતમજૂરોને પણ રોજગારીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક પરિવારો રોજગારની શોધમાં અન્ય શહેરો તથા ઔદ્યોગિક વિસ્તારો તરફ સ્થળાંતર કરવા મજબૂર થઈ રહ્યા છે. બીજી તરફ ખેડૂત આદિત્ય જાધવે સરકાર અને વહીવટી તંત્ર પાસે અસરગ્રસ્ત પરિવારો માટે તાત્કાલિક રાહતની માંગ કરી છે.
ખેડૂતો પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન, વળતર અને પાક વીમા સહિતની મદદની માંગ કરી રહ્યા છે. રાજ્ય સરકારે દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનના પંચનામા શરૂ કરવાની અને પીવાના પાણી તથા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. યવતમાલમાં વરસાદની અછતથી સર્જાયેલી આ પરિસ્થિતિ હવે માત્ર ખેતીનો પ્રશ્ન રહી નથી, પરંતુ ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો અને સમગ્ર ગ્રામ્ય અર્થતંત્ર માટે પડકાર બન્યો છે. ખેડૂતોની નજર હવે આગામી વરસાદ અને સરકાર તરફથી મળનારી રાહત પર ટકેલી છે.
---- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

