VIDEO: નવરાત્રિએ ગરબામાં મુસ્લિમોની એન્ટ્રીનો મામલો, મહારાષ્ટ્રના CM ફડણવીસની પત્નીનું નિવેદન ચર્ચામાં
મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબા અને દાંડિયાના આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઘેરો બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા મુસ્લિમોને ગરબા ઉત્સવથી દૂર રાખવાની અપીલ કરવામાં આવી છે. આ માટે સંગઠને આયોજકોને ગરબામાં પ્રવેશતા લોકોના આઈડી કાર્ડની ચકાસણી કરવા તેમજ તિલક અને કલાવા (લાલ અને પીળા રંગનો પવિત્ર દોરો) પહેરાવવાની શરતો રાખવાનું સૂચન કર્યું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ VHPની આ માંગણી ખુલ્લેઆમ ટેકો આપ્યો છે, જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે ગરબામાં તમામ ધર્મના લોકોના પ્રવેશનું સમર્થન કર્યું છે.
'લવ જેહાદ' અને મૂર્તિપૂજાનો તર્ક આપી નિતેશ રાણેએ VHPની માંગને ટેકો આપ્યો
મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ VHPના નિર્ણયનું સમર્થન કરતા આક્ષેપ કર્યો છે કે ગરબા અને અન્ય હિન્દુ તહેવારો દરમિયાન 'લવ જેહાદ'ની ઘટનાઓ વધી જાય છે. તેમણે તર્ક આપ્યો હતો કે જે લોકો મૂર્તિપૂજામાં વિશ્વાસ નથી ધરાવતા, તેમને હિન્દુ ધાર્મિક આયોજનોમાં સામેલ થવાનો કોઈ અધિકાર નથી. આ સિવાય રાણેએ ગરબા મંડપોમાં પ્રવેશ આપતા પહેલા લોકોના આઈડી ચકાસવાની સાથે તેમની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાની શરત રાખવાનું પણ સૂચન કર્યું છે.
નિતેશ રાણેના નિવેદન અંગે પૂછવામાં આવતા અમૃતા ફડણવીસે તદ્દન અલગ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'તહેવારો સૌને સાથે લઈને ઉજવવા માટે હોય છે અને જો કોઈ મુસ્લિમ વ્યક્તિ કોઈ ઉત્સવમાં સામેલ થઈને શાંતિપૂર્ણ રીતે તેનો આનંદ માણે છે, તો તેમાં કંઈ જ ખોટું નથી. ગરબા એ આપણો રાષ્ટ્રીય ઉત્સવ છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવવામાં આવે છે. જો કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો વ્યક્તિ શાંતિપૂર્વક અને કોઈ પણ વિવાદ ઊભો કર્યા વગર તેને જોવા કે માણવા માંગતો હોય, તો તેમાં કંઈ ખોટું નથી.' જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જાહેર આયોજનોમાં નિયમોનું પાલન થવું જોઈએ અને તેનાથી અન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.
ભાજપના નેતાઓ વચ્ચે જ અભિપ્રાયમાં તફાવત સામે આવ્યો
ગરબામાં મુસ્લિમોના પ્રવેશ અંગેનો આ વિવાદ હવે માત્ર વિપક્ષ કે સત્તાપક્ષ પૂરતો સીમિત ન રહેતા ભાજપના નેતાઓ વચ્ચેના આંતરિક મતભેદો સામે આવ્યા છે. એક તરફ ભાજપના કટ્ટર નેતા નિતેશ રાણે VHPના કડક વલણને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ અમૃતા ફડણવીસે જાહેર મંચ પરથી આ મનોવૃત્તિથી અલગ સૂર ઉચ્ચાર્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલાર પણ ગરબા જેવા તહેવારોને તમામ માટે સર્વસમાવેશી રાખવાની વાત કરી ચૂક્યા છે.

