VIDEO: આમોદના ખેડૂતો માટે મોટી રાહત નહેરમાં પાણી છોડાતાં ખુશીની લહેર!
આમોદના ખેડૂતો માટે મોટી રાહત
નહેરમાં પાણી છોડાતાં ખુશીની લહેર!
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા બાદ હવે આમોદ શહેર અને સમગ્ર તાલુકાના ખેડૂતો માટે ખુશી અને રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી સિંચાઈના પાણીની ચાતક નજરે વાટ જોઈ રહેલા ખેડૂતોના ખેતરો સુધી આખરે નહેર મારફતે પાણી પહોંચી ગયું છે. નહેરમાં પાણીનો જથ્થો આવતાં જ ચોતરફથી ચિંતામાં મુકાયેલા કિસાન આલમમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. નહેરનું પાણી વહેતું થતાં આમોદ પંથકના અડવાણા અને દાદાપોર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને કપાસ, તુવેર અને દિવલે સહિતના ઉભા પાકને મોટું નવજીવન મળવાની આશા જાગી છે. સમયસર પિયતનું પાણી ઉપલબ્ધ થતાં ખેતરોમાં લહેરાતા મોલની વૃદ્ધિમાં મોટો ફાયદો થશે. મસમોટો ખર્ચ અને રાત-દિવસ પરસેવો પાડીને ઉગાડેલા પાકને બરબાદીમાંથી ઉગારી શકાશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
અડવાણા અને દાદાપોરના કપાસ-તુવેરના પાકને મળ્યું નવજીવન!
ખેતરોમાં પાણી વહેતાં ખેડૂતો અને મહિલાઓએ સરકારનો માન્યો આભાર!
નહેરમાં પાણી છોડાતાં સ્થાનિક ધરતીપુત્રોએ હર્ષ વ્યક્ત કર્યો છે. એક ખેડૂત પુત્રીએ પણ પોતાના પરિવારના ખેતરમાં પિયતનું પાણી પહોંચતાં આનંદ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ સંકટના સમયે કેનાલમાં પાણી છોડાવવા બદલ રાજ્ય સરકાર અને સ્થાનિક ધારાસભ્યનો આભાર માન્યો છે. આમોદના ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે નહેરમાં પાણી આવ્યું એટલે સુકાઈ રહેલા પાકને નવું સંજીવની રૂપ જીવન મળ્યું.. કેનાલના માધ્યમથી છેવાડાના ખેતરો સુધી પિયત પહોંચતાં ખેડૂતોના ચહેરા પર આશાનું સ્મિત ખીલી ઉઠ્યું છે. સ્થાનિક કિસાન આલમ હવે આગામી દિવસોમાં વિપુલ કૃષિ ઉત્પાદન મેળવવા માટે ઉત્સાહભેર ખેતીકામમાં જોતરાઈ ગઈ છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

