VIDEO: આસામમાં વાંદરાઓના ત્રાસ સામે આકરા પગલાં હિમાચલ પ્રદેશની મુલાકાતે જશે ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ!
આસામમાં વાંદરાઓના ત્રાસ સામે આકરા પગલાં
હિમાચલ પ્રદેશની મુલાકાતે જશે ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ!
ખેતી અને પાક બચાવવા સરકારનો મોટો નિર્ણય
આસામના ગોલાઘાટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના અનેક ગ્રામીણ વિસ્તારોમાં વાંદરાઓનો ત્રાસ અત્યંત ગંભીર સપાટીએ પહોંચ્યો છે. વાંદરાઓના ઉપદ્રવના કારણે ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે વાંદરાઓ ઘરોમાં ઘૂસીને ખોરાકની ચીજવસ્તુઓ લઈ જાય છે અને મસમોટું નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત ખેતરોમાં ઉભેલા પાક અને ઝાડ-પાનને ભારે નુકસાન પહોંચાડતાં અનેક વિસ્તારોમાં ખેડૂતોએ ખેતી કરવાનું જ બંધ કરી દીધું છે.આસામ વિધાનસભામાં આ વિકટ સમસ્યા અંગે અનેકવાર ચર્ચા-વિચારણા થયા બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. વાંદરાઓના ત્રાસ પર અંકુશ મેળવવા માટે આસામ સરકાર દ્વારા ૬ થી ૭ ધારાસભ્યો અને સરકારી અધિકારીઓની એક વિશેષ ડેલીગેશન હિમાચલ પ્રદેશના પ્રવાસે મોકલવાનો નિર્ણય કરાયો છે. આ પ્રતિનિધિ મંડળ હિમાચલ પ્રદેશમાં વાંદરાઓના નિયંત્રણ માટે અપનાવવામાં આવેલી ખસીકરણ સહિતની સફળ પદ્ધતિઓ અને કેસ સ્ટડીનો સઘન અભ્યાસ કરશે.
વાંદરાઓના ખસીકરણ મોડેલનો કરાશે સઘન અભ્યાસ!
વાંદરાના ઉપદ્રવથી ખેતી ઠપ્પ, આસામમાં ખાદ્ય સંકટ તોળાવાની ભીતિ!
ખુમટાઈના ધારાસભ્ય મૃણાલ શૈકિયાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જો વાંદરાઓના ત્રાસને તાત્કાલિક નિયંત્રિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આસામમાં ગંભીર ખાદ્ય સંકટ સર્જાવાની ભીતિ છે. હિમાચલ પ્રદેશ સરકારે આ સમસ્યા સામે જે સફળ મોડેલ અપનાવ્યું છે તેનો અભ્યાસ કરીને આ ટીમ રાજ્ય સરકારને વિગતવાર રિપોર્ટ સોંપશે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આસામમાંથી વાંદરાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે. કેબિનેટના આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ હિમાચલ પ્રદેશના પ્રવાસે રવાના થવા સજ્જ બન્યું છે. હિમાચલ પ્રદેશના મોડેલના આધારે આસામમાં પણ વાંદરાઓના ખસીકરણ અને યોગ્ય સંચાલન માટેની ખાસ નીતિ ઘડવામાં આવશે. તંત્રના આ પગલાથી ખેતરો બચવાની અને ખેડૂતો ફરીથી આત્મવિશ્વાસ સાથે ખેતીકામ શરૂ કરી શકશે તેવી આશા જાગી છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

