VIDEO: હવામાન વિભાગનું એલર્ટ, દેશના 5 રાજ્યોમાં વરસાદનું તાંડવ, આસામમાં 4 તો ઉત્તરાખંડમાં 7 લોકોના મોત
India Weather Updates : સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થતા જ દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડયો હતો. સાથે જ વરસાદ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં જાનહાની પણ સામે આવી છે. આસામ, ઉત્તરાખંડ, ઝારખંડ, હિમાચલ, ઉત્તર પ્રદેશ વગેરેમાં ભારે વરસાદ પડયો છે. આસામમાં ચાર લોકો માર્યા ગયા છે. ઉત્તરાખંડમાં પણ સાત લોકો માર્યા ગયા છે.
ઉત્તરાખંડમાં અનેક વિસ્તારોમાં ભુસ્ખલન, મકાનો પડી જવા સહિતની વરસાદ સાથે જોડાયેલી વિવિધ ઘટનાઓ સામે આવી છે. જેમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. અલમોરા વિસ્તારમાં વહેલી સવારે મકાન તુટી પડતા ત્રણ લોકો માર્યા ગયા હતા. જ્યારે અલમોરા ટાઉનમાં નેપાળના બે મજૂરોના મોત નિપજ્યા હતા, એક જુના મકાનની દિવાલ પડી જવાથી કાટમાળમાં દટાઇ જવાથી આ જાનહાની સર્જાઇ હતી. બીજી તરફ આસામમાં ગુવાહાટીમાં ભુસ્ખલનની ઘટના સામે આવી હતી જેમાં એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકો માર્યા ગયા હતા. મથઘરીયા વિસ્તારમાં ભુસ્ખલનને કારણે એક કપલ અને તેની 11 વર્ષની બાળકીના મોત નિપજ્યા હતા. ભુસ્ખલનની અન્ય એક ઘટનામાં એક ૬૫ વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
ઝારખંડમાં હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આશરે 10 જેટલા જિલ્લાઓમાં ફ્લેશ ફ્લડની આગાહી છે જેને પગલે તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. અનેક નદીઓ અત્યારથી જ ભયજનક સપાટી વટાવી ચુકી છે. પાંચ સપ્ટેમ્બર સુધી ઝારખંડના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતી ભારે વરસાદની શક્યતાઓ છે. ઉત્તર પ્રદેશમાં પણ લખીમપુર ખેરી, વારાણસી, ચિત્રકૂટ વગેરે વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. ચિત્રકૂટમાં મંદાકીની નદી ભયજનક સપાટીએ વહી રહી છે.
ઉન્નાવમાં ભારે વરસાદને પગલે ગંગા એક્સપ્રેસવેમાં મોટુ ગાબડુ પડયું હતું, જેને ઢાંકવા માટે તંત્ર દોડતું થયું હતું. મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ પર છે. નેપાળમાં પૂર બાદથી જ બિહાર અને ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારો એલર્ટ કરાયા હતા. જ્યારે જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદને પગલે પૂંચ જિલ્લામાં તમામ શાળાઓને બંધ રાખવા આદેશ જારી કરવામાં આવ્યો છે.

