રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની’ને પૂરા થયા 10 વર્ષ, YRFએ કરી મોટી એનાઉન્સમેન્ટ

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ ‘મર્દાની’ ફ્રેન્ચાઇઝી ફેન્સને ખૂબ પસંદ આવી હતી. તેના બંને ભાગ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયા છે. હવે YRFએ ફિલ્મના ત્રીજા ભાગ માટે માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ચાલો અહીં આ અપડેટ પર એક નજર કરીએ.
‘મર્દાની 3’ આવવાની છે. આ સમાચારે રાની મુખર્જી અને ‘મર્દાની’ ફ્રેન્ચાઈઝીના ફેન્સને ખુશ કરી દીધા છે. યશરાજ ફિલ્મ્સે આજે ‘મર્દાની’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગને લઈને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી છે. વર્ષ 2014માં બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્દાની’ને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. પ્રોડક્શન હાઉસે ‘મર્દાની’ અને ‘મર્દાની 2’ના કેટલાક ખાસ દ્રશ્યો સાથેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે ફ્રેન્ચાઈઝીને આટલો પ્રેમ આપવા બદલ ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
આ વીડિયોના અંતમાં પ્રોડક્શન હાઉસે રાની મુખર્જી સ્ટારર ‘મર્દાની 3’ની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી છે. જેનો અર્થ એ થયો કે, હવે રાની ફરી એકવાર શિવાની શિવાજી રોયના રોલમાં પોતાનો પોલીસ યુનિફોર્મ પહેરીને જોવા મળશે. અભિનેત્રી એક નવા કેસ સાથે ફરીથી દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે.
પરત ફરવા જઈ રહી છે શિવાની શિવાજી રોય
આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'મર્દાનીના 10 વર્ષ અને આગામી પ્રકરણની રાહ જોઈ રહ્યા છીએ... આજે આપણે બહાદુર, હિંમતવાન પોલીસકર્મી શિવાની શિવાજી રોય અને ‘મર્દાની’ની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી ફેવરિટ ફ્રેન્ચાઈઝી માટે એક દાયકાના પ્રેમ અને પ્રશંસા બદલ આભાર. અમે પ્રેરિત છીએ...ફરીથી...આભાર. #10YearsOfMardaani.' આ જાહેરાત બાદ હવે ફેન્સ ‘મર્દાની 3’ની રાહ નથી જોઈ શકતા. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ વર્ષ 2025માં ફ્લોર પર જવાની છે.

