મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

Wayanad landslide: પીડિતોની મદદ માટે આગળ આવ્યા સાઉથ સ્ટાર્સ, કર્યું લાખોનું દાન

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે.

Wayanad landslide: પીડિતોની મદદ માટે આગળ આવ્યા સાઉથ સ્ટાર્સ, કર્યું લાખોનું દાન

કેરળના વાયનાડમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનને કારણે 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. લોકોને બચાવવા માટે સરકાર તરફથી બચાવ કામગીરી ચાલી રહી છે. તેમજ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયએ પણ આ આપત્તિથી પ્રભાવિત લોકો માટે રાહત ફંડની જાહેરાત કરી હતી. હવે સામાન્ય લોકોની સાથે સાઉથ સિનેમાના સ્ટાર્સે પણ જરૂરિયાતમંદોની મદદ માટે સીએમ રિલીફ ફંડમાં પૈસા દાનમાં આપ્યા છે.

સ્ટાર્સે દાનમાં આપ્યા પૈસા

'એનિમલ' અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પીડિતો અને ઘાયલોને મદદનો હાથ લંબાવ્યો છે. અભિનેત્રીએ સીએમ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે. રશ્મિકા ઉપરાંત, મલયાલમ અભિનેતા ફહાદ ફાસિલ અને તેની પત્ની નઝરિયા નાઝીમે પણ પીડિતોની મદદ માટે સીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન કર્યું છે. મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરીને તમામ સ્ટાર્સ રિયલ લાઈફ હીરો બની ગયા છે.

અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે ઘણું નુકસાન

વાયનાડમાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 256ની નજીક પહોંચી ગયો છે. સોમવારે, વાયનાડમાં પહાડીઓ પર પડેલા મુશળધાર વરસાદે ઇરુવાઝિંજી નદીના પ્રવાહને વાળ્યો, તેના કાંઠે બધું ડૂબી ગયું. હવે હરિયાળીને બદલે માત્ર કાટમાળ જ દેખાય છે. ભૂસ્ખલન પહેલા નદી સીધી વહેતી હતી અને તેના કિનારે ગામો વસતા હતા, પરંતુ હવે નદી સમગ્ર વિસ્તારને ગળી ગઈ છે. સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પીએમે કરી આ જાહેરાત

મળતી માહિતી મુજબ વાયનાડમાં 27 જુલાઈ મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. આ પછી સવારે લગભગ 4.10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનને કારણે 116થી વધુ લોકો કાટમાળ નીચે ફસાયા હતા અને તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમ જેમ બચાવ કાર્ય આગળ વધી રહ્યું છે તેમ તેમ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો