ફરીથી રિલીઝ થયેલી આ 2 ફિલ્મો મોટા પડદા પર કરી રહી છે ધૂમ કમાણી, જુઓ કેટલું કર્યું કલેક્શન
13 સપ્ટેમ્બર, શુક્રવાર મૂવી લવર્સ માટે યાદગાર બની ગયો. 20 વર્ષ

13 સપ્ટેમ્બર, શુક્રવાર મૂવી લવર્સ માટે યાદગાર બની ગયો. 20 વર્ષ પહેલાં 2004માં રિલીઝ થયેલી ફિલ્મ 'વીર ઝારા' અને 2018માં આવેલી ફિલ્મ 'તુમ્બાડ' થિયેટરમાં ફરીથી રિલીઝ થઈ છે. યશ ચોપરા દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાન, પ્રીતિ ઝિન્ટા અને રાની મુખર્જી અભિનીત ફિલ્મ 'વીર ઝારા'એ 20 વર્ષ પહેલા પણ કમાણીનો રેકોર્ડ સર્જ્યો હતો. જોકે, રાહી અનિલ બર્વે નિર્દેશિત અને સોહમ શાહ અભિનીત 'તુમ્બાડ' બોક્સ ઓફિસ પર સ્લીપર હિટ હતી, પરંતુ માત્ર 575 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો મળવા જોઈએ તેટલા મળ્યા ન હતા. ભારતીય સિનેમાની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાતી 'તુમ્બાડ'ને OTT પર આવ્યા પછી દર્શકો મળ્યા. હવે આ ફિલ્મ પહેલીવાર થિયેટરોમાં ઓછા દર્શકો મળવાના અભાવને પુરી કરી રહી છે. 6 વર્ષ પછી શુક્રવારે થિયેટરમાં રી-રિલીઝ થયેલી 'તુમ્બાડ'એ એવો બિઝનેસ કર્યો છે કે, તે ટૂંક સમયમાં તેની મૂળ રિલીઝના આંકડાને પાછળ છોડી દેશે.
રી-રિલીઝ પર બમણી થઈ 'તુમ્બાડ'ની કમાણી
થિયેટરોમાં ફરી રિલીઝ થયેલી 'તુમ્બાડ' એ પહેલા દિવસે એટલે કે, શુક્રવારે 1.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. લિમિટેડ સ્ક્રીન્સ રિલીઝ મુજબ, ફિલ્મને ખૂબ જ મજબૂત ઓપનિંગ મળી. શનિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર જંપ મેળવ્યો અને તેનું કલેક્શન વધીને 2.65 કરોડ રૂપિયા થઈ ગયું. રવિવારે ફરી થોડો જંપ આવતા ફિલ્મની કમાણી વધીને 3.04 કરોડ રૂપિયા થઈ ગઈ. આ સાથે ફિલ્મનું નેટ ઈન્ડિયા કલેક્શન રી-રિલીઝના પહેલા સપ્તાહમાં 7.34 કરોડ રૂપિયા થઈ ગયું છે. 2018માં તેની મૂળ રિલીઝ સમયે, ફિલ્મનું પહેલા સપ્તાહમાં કલેક્શન 3.25 કરોડ રૂપિયા હતું. તેનો અર્થ એ છે કે, 'તુમ્બાડ'નું પહેલા સપ્તાહનું કલેક્શન રી-રિલીઝ થવા પર બમણાથી વધુ છે.
સિલેક્ટેડ સ્ક્રીનમાંથી કરી મજબૂત કમાણી
અહેવાલો કહે છે કે, 'વીર ઝારા' લગભગ 300 શો સાથે ફરીથી રજૂ કરવામાં આવી હતી અને પહેલા જ દિવસથી તેણે શાહરૂખ બ્રાન્ડ રોમાંસના જાદુમાં દર્શકોને આકર્ષિત કરવાનું શરૂ કર્યું હતું. સેકનિલ્કના અહેવાલ મુજબ, કિંગ ખાનની સૌથી પ્રતીકાત્મક રોમેન્ટિક ફિલ્મોમાંની એક 'વીર ઝારા' એ પહેલા જ દિવસે એટલે કે, શુક્રવારે લગભગ 25 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શનિવારે તેની કમાણી વધીને લગભગ 40 લાખ રૂપિયા અને રવિવારે તેનું ગ્રોસ કલેક્શન 45 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું. જ્યારે ફિલ્મની માગને ધ્યાનમાં રાખીને ફિલ્મના વધુ 100 શો વધારવામાં આવ્યા છે અને હવે ફિલ્મ 400 જેટલી સ્ક્રીન પર ચાલી રહી છે. રી-રિલીઝના શરૂઆતના સપ્તાહમાં જ ફિલ્મે 1.10 કરોડથી વધુની કમાણી કરી છે.
20 વર્ષ પછી બનાવશે રેકોર્ડ
'વીર ઝારા' એ તેના મૂળ બોક્સ ઓફિસ રનમાં વિશ્વભરમાં રૂ. 95 કરોડથી વધુનું કુલ કલેક્શન કર્યું હતું. પહેલા આ ફિલ્મ બહુ ઓછી સ્ક્રીન પર રી-રિલીઝ કરવામાં આવી અને વર્તમાન કલેક્શન સહિત, ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી રૂ. 97 કરોડને વટાવી ગઈ છે. 'વીર ઝારા', જે તેના સમય દરમિયાન શાહરૂખની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી, હવે તેની રી-રિલીઝ સાથે 100 કરોડ રૂપિયાના આંક તરફ નજર કરી રહી છે. તાજેતરમાં રી-રિલીઝ થયેલી ફિલ્મો જે રીતે કમાણી કરી રહી છે તે જોતા, એવી શક્યતા છે કે તે તેની જગ્યાએ કમાવવાનું ચાલુ રાખશે. તેથી પૂરેપૂરી શક્યતા છે કે, 'વીર ઝારા' તેની રિલીઝના 20 વર્ષ પછી હવે બોક્સ ઓફિસ પર રૂ. 100 કરોડનો માઈલસ્ટોન પાર કરી શકે છે.
શું છે રી-રિલીઝની ઘટના?
ફિલ્મ ઉદ્યોગે 2023થી અત્યાર સુધીમાં એક ડઝન હિન્દી ફિલ્મોને થિયેટરોમાં ફરીથી રિલીઝ કરીને લગભગ એક પેટર્ન સેટ કરી છે. આ અંગે ટ્રેડ એક્સપર્ટ કોમલ નાહટા કહે છે, "ભારતમાં ફિલ્મ રિલીઝ માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ચાર મહિના તુલનાત્મક રીતે વધુ મહત્ત્વના હોય છે. આ સમયગાળો ફેસ્ટિવ સિઝન કહેવાય છે. રજાઓ, હવામાન અને તહેવારોનો મૂડ... દરેક બાબતમાં આ મહિનાઓ ફિલ્મોની રિલીઝ માટે પરફેક્ટ સાબિત થાય છે. આ ચાર મહિનાનું દરેક વીકએન્ડ કેલેન્ડર જે રીતે ફ્રેશ રિલીઝથી ભરેલું હોવું જોઈએ, તેવું દેખાતું નથી. તેથી, ખાલી પડેલી થિયેટર તારીખોને કેશ કરવા માટે જૂની ફિલ્મોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ ટ્રેન્ડ નવો નથી, હોલિવૂડની ફિલ્મો પણ રી-રિલીઝ થઈ છે."
આ રમતમાં માત્ર બોલિવૂડ જ નથી
એક સમયે એવું લાગે છે કે, બોલિવૂડે ખૂબ જ સમજદારીપૂર્વક ખાલી તારીખો પર દર્શકોને થિયેટર સુધી લાવવાનો નવો ટ્રેન્ડ બનાવ્યો છે, પરંતુ એવું નથી. આ વર્ષે સપ્ટેમ્બરમાં, 'હેરી પોટર', 'મેટ્રિક્સ' અને 'વ્હીપ્લેશ' જેવી જૂની હોલિવૂડ ફિલ્મો વિશ્વભરના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને થવા જઈ રહી છે. 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ' અને 'ઇન્ટરસ્ટેલર' ડિસેમ્બર સુધીમાં રી-રિલીઝ થવા જઈ રહી છે. હાલમાં ડઝનેક ફિલ્મો વિશ્વભરના થિયેટરોમાં રી-રિલીઝ થવાની લાઇનમાં છે.








