Video/ પ્રેમ, ધર્માંતરણ અને સંઘર્ષની વાર્તા દર્શાવતું ફિલ્મ 'The Kerala Story 2'નું ટીઝર આઉટ!

ત્રણ વર્ષ બાદ વિપુલ અમૃતલાલ શાહ 'ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ' (The Kerala Story 2: Goes Beyond) લઈને આવી રહ્યા છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને તેની સાથે જ રિલીઝ ડેટ પરથી પણ પડદો હટી ગયો છે.
વર્ષ 2023માં રિલીઝ થયેલી સુદીપ્તો સેન નિર્દેશિત અને વિપુલ શાહ નિર્મિત 'ધ કેરલા સ્ટોરી'ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ મોટી સફળતા મેળવી હતી. હવે ત્રણ વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ ચર્ચામાં આવી છે.
'ધ કેરલા સ્ટોરી 2' નું ટીઝર રિલીઝ થયું
તાજેતરમાં જ 'ધ કેરલા સ્ટોરી 2'નું મોશન પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું અને હવે ફિલ્મનું ટીઝર પણ આવી ગયું છે. 2 મિનિટ 6 સેકન્ડનું આ ટીઝર ત્રણ છોકરીઓ સાથે થયેલા શોષણની પીડા વર્ણવે છે. આ વાર્તામાં IAS બનવાનું સપનું જોતી કેરળની સુલેખા નાયર, જેવલિન થ્રોમાં દેશનું નામ રોશન કરવા માંગતી મધ્ય પ્રદેશની નેહા સંત અને રાજસ્થાનની દિવ્યા પાલીવાલ છે, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા માંગતી હતી તેમના જીવનની વાર્તા દર્શાવવામાં આવી છે.
આ ત્રણેય છોકરીઓના સપના ત્યારે ચકનાચૂર થઈ ગયા જ્યારે તેઓ પ્રેમની જાળમાં ફસાઈ ગઈ અને તેમને બળજબરીથી ધર્માંતરણ કરવાની ફરજ પાડવામાં આવી. ટીઝરમાં દર્શાવવામાં આવ્યું છે કે ધર્માંતરણ કરાવનારાઓનો હેતુ ભારતની સાડા આઠ કરોડ અપરિણીત છોકરીઓનું ધર્માંતરણ કરવાનો છે. ડર, ગુસ્સો અને સચ્ચાઈથી ભરેલી દરેક ફ્રેમ સાથે 'ધ કેરલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ'નું ટીઝર પહેલા ભાગ કરતા વધુ આક્રમક અને ગંભીર સંકેતો આપે છે.

