Ranveer Singhની બ્લોકબસ્ટર 'Dhurandhar' OTT પર રિલીઝ, ફિલ્મમાંથી 10 મિનિટના સીન હટાવાયા! જાણો શું છે સમગ્ર વિવાદ

બોક્સ ઓફિસ પર 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યા બાદ, રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' 30 જાન્યુઆરી, 2026ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ ત્રણ ભાષાઓ- હિન્દી, તમિલ અને તેલુગુમાં રાત્રે 12:00 વાગ્યે રિલીઝ કરવામાં આવી છે. જોકે, ફેન્સે જેવું જોયું કે રણવીર સિંહની ફિલ્મમાં 10 મિનિટના કાપ સિવાય કેટલાક ડાયલોગ્સ પણ મ્યૂટ કરી દેવામાં આવ્યા છે, ત્યારે તેઓ નારાજ થયા અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે 'ધુરંધર 2' આ જ વર્ષે 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
'ધુરંધર' નેટફ્લિક્સ પર સેન્સરશિપ સાથે રિલીઝ
નેટફ્લિક્સે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર 'ધુરંધર'ની ઓટીટી રિલીઝની જાહેરાત કરી હતી. કેપ્શનમાં લખ્યું હતું, 'ધુરંધર - આ એપિક વાર્તા જુઓ. હવે નેટફ્લિક્સ પર હિન્દી, તમિલ અને તેલુગુમાં સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે.' ફેન્સે આ પોસ્ટ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જોકે, ઓટીટી રિલીઝના ગણતરીના કલાકોમાં જ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ X પર આવવા લાગી હતી.
ધુરંધરના ઓટીટી વર્ઝનમાં થયેલા ફેરફારો
નેટફ્લિક્સ પર 'ધુરંધર' જોયા પછી ફેન્સે દાવો કર્યો કે ફિલ્મને 10 મિનિટ ટૂંકી કરી દેવામાં આવી છે અને ગાળોવાળા ડાયલોગ્સને સેન્સર કરવામાં આવ્યા છે. ફેન્સે કહ્યું કે તેઓ અનસેન્સર્ડ વર્ઝન જોવા માંગતા હતા. કેટલાક લોકોએ 18+ પ્લેટફોર્મ પર એડલ્ટ ફિલ્મને સેન્સર કરવાના લોજિક પર સવાલ ઉઠાવ્યા. નોંધનીય છે કે થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ 3 કલાક અને 34 મિનિટ લાંબી હતી, પરંતુ ઓટીટી પર જે વર્ઝન રિલીઝ થયું છે તે માત્ર 3 કલાક અને 25 મિનિટનું જ છે.

