પૈસાની તંગીના કારણે કોમેડિયનને લેવું પડ્યું હતું આવું પગલું, યાદ કર્યા સંઘર્ષના દિવસો
ફેમસ કોમેડિયન સુદેશ લહેરી તેની જોરદાર કોમેડી માટે જાણીતો

ફેમસ કોમેડિયન સુદેશ લહેરી તેની જોરદાર કોમેડી માટે જાણીતો છે. હાલ તે ખુબ જ સફળ છે પરંતુ એક સમય એવો હતો જ્યારે સુદેશ પાસે ખાવાના પૈસા પણ નહોતા. એક ઈન્ટરવ્યૂમાં તેણે ખુલાસો કર્યો હતો કે, મારો સમય એટલો ખરાબ હતો કે મારે મારા એવોર્ડ વેચીને પરિવારનું ભરણપોષણ કરવાનો વારો આવ્યો હતો.
300-400 રૂપિયામાં વેચ્યો એવોર્ડ
સુદેશ લહેરીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પૈસાની તંગી હોવાના કારણે મેં મારા પરિવારના ભરણપોષણ માટે મારો એવોર્ડ વેચી દીધો હતો. જ્યારે કોમેડિયનને પૂછવામાં આવ્યું કે, કેટલી કિંમતમાં એવોર્ડ વેચ્યો હતો ત્યારે તેણે કહ્યું કે, મને એવોર્ડના બદલામાં 300-400 રૂપિયા મળ્યા હતા અને આ પૈસાથી મેં મારા પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરી હતી.
એક કોમેડી શોએ બદલી સુદેશની જિંદગી
ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં આવ્યો ત્યારે સુદેશ લહેરીનું નસીબ બદલાઈ ગયું. આ શોમાં તે ત્રીજા ક્રમે રહ્યો હતો જ્યારે વિજેતા કપિલ શર્મા હતો. બાદમાં કપિલે સુદેશને પોતાના કોમેડી શોમાં તક આપી હતી. ત્યારબાદ સુદેશે ફિલ્મોમાં પણ કામ કર્યું.
ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે સુદેશ લહેરીએ
આ સિવાય સુદેશ લહેરીએ પણ ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેણે સલમાન ખાન સાથે ફિલ્મ 'રેડી'માં કામ કર્યું હતું. આ પછી તે 'જય હો'નો પણ ભાગ હતો. સુદેશ લહેરી 'ટોટલ ધમાલ', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. સુદેશ તમિલ ફિલ્મ ‘વાઘા’માં પણ જોવા મળ્યો હતો, જેમાં તેણે વિક્રમ પ્રભુ અને રાન્યા રાવ સાથે કામ કર્યું હતું.






