લોકો મગજ પર છવાયો 'સ્ત્રી 2'નો જાદુ, 5 દિવસમાં જ પાર કર્યો 200 કરોડનો આંકડો
શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની હોરર-કોમેડી ફ

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની હોરર-કોમેડી ફિલ્મ 'સ્ત્રી 2' સ્વતંત્રતા દિવસના ખાસ અવસર પર થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને 5 દિવસ થઈ ગયા છે, પરંતુ દર્શકોનો ફિલ્મ પ્રત્યેનો ક્રેઝ ઓછો થયો નથી. વીકએન્ડ હોય કે સામાન્ય દિવસ, આ ફિલ્મ માટે થિયેટરોની ટિકિટ વિન્ડો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે, જેનો અંદાજ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન પરથી લગાવી શકાય છે, જે દરરોજ ઝડપથી વધી રહ્યું છે.
આ ઉપરાંત તે કમાણીના મામલામાં જૂની ફિલ્મોના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મની સ્ટોરીથી લઈને સ્ટાર કાસ્ટ અને કેમિયો સુધી તેણે લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મ દરરોજ જોરદાર કમાણી કરી રહી છે. 'સ્ત્રી 2' આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. આવી સ્થિતિમાં ફિલ્મની જોરદાર કમાણી નવાઈની વાત નથી. આ ફિલ્મના પહેલા ભાગે પણ 2018માં ઘણી કમાણી કરી હતી. જોકે, 'સ્ત્રી 2' એ પોતાના જ પહેલા ભાગનો રેકોર્ડ તોડ્યો હતો. આવો જાણીએ પાંચમા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી.
ફિલ્મે 5 દિવસમાં પાર કર્યો 200નો આંકડો
'સ્ત્રી 2' છેલ્લા પાંચ દિવસથી બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી રહી છે. એટલું જ નહીં, આ ફિલ્મે એક સાથે રિલીઝ થનારી ઘણી ફિલ્મોને પણ પછાડી દીધી છે. હાલમાં માત્ર 'સ્ત્રી 2' બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. જો ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે 3 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો હતો અને પાંચમા દિવસે ફિલ્મે 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. Sacnilkના રિપોર્ટ અનુસાર, પાંચમા દિવસે એટલે કે રાખી પર, ફિલ્મે 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને ફિલ્મની કુલ કમાણી 228.45 કરોડ પર પહોંચી ગઈ છે.
'સ્ત્રી 2'એ જમાવ્યું બોક્સ ઓફિસ પર પ્રભુત્વ
'સ્ત્રી 2'ની સાથે જ જોન અબ્રાહમની 'વેદા' અને અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' પણ રિલીઝ થઈ હતી, પરંતુ 'સ્ત્રી 2'ની સામે બંને ફિલ્મો બે દિવસ પણ ટકી શકી નહોતી. જોકે, લાંબા સમયથી ફ્લોપ ફિલ્મોનો સામનો કરી રહેલા અક્ષય માટે સારા સમાચાર એ છે કે, 'સ્ત્રી 2'માં તેનો કેમિયો છે અને ફિલ્મમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેનો સીધો સંબંધ 'સરકટા' ભૂત સાથે છે. ઉલ્લેખનીય છે કે, અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિષેક બેનર્જી સિવાય અપારશક્તિ ખુરાના, વરુણ ધવન, તમન્ના ભાટિયા અને અક્ષય કુમાર કેમિયોમાં જોવા મળશે.






