વરિષ્ઠ સંગીતકાર તથા ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, 2017માં આપવામાં આવ્યો હતો પદ્મશ્રી
કર્ણપ્રિય અવાજ અને ગુજરાતી સુગમ સંગીતના યુગપ્રવર્તક પુરસોત્તમભાઇ ઉપાધ્યાયનો કંઠ આથમ્યો છે. મુંબઈ

કર્ણપ્રિય અવાજ અને ગુજરાતી સુગમ સંગીતના યુગપ્રવર્તક પુરસોત્તમભાઇ ઉપાધ્યાયનો કંઠ આથમ્યો છે. મુંબઈ ખાતે ૯૦ વર્ષે તેમનું નિધન થયુ છે. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કાર આપ્યો હતો. તેમને 2017માં ‘પદ્મશ્રી’ ઍવૉર્ડથી સન્માનવામાં આવ્યા હતા.
થોડા સમય પહેલાં સંગીત નાટ્ય અકાદમીએ તેમને રાષ્ટ્રીય કક્ષાનો અવૉર્ડ જે રાષ્ટ્રપતિના હસ્તે અર્પણ થાય છે એની જાહેરાત કરી હતી. સ્વાસ્થ્યના કારણોસર પુરુષોત્તમભાઈ દિલ્હી જઈ શકે એમ નહોતા એટલે અકાદમીનાં પ્રમુખ ડૉ. સંધ્યા પુરેચા તથા હરીશ ભીમાણીના હસ્તે તેમના ઘરે તેમને અવૉર્ડ અર્પણ થયો હતો.
તેમણે કરેલાં ગુજરાતી ગીતોનાં સ્વરાંકન ભારતના સીમાડા વટાવી વિશ્વના ખૂણે-ખૂણે વસેલા ગુજરાતીઓના હૃદયમાં રણઝણે છે. બેગમ અખ્તર, લતા મંગેશકર, મોહમ્મદ રફી, મુકેશ, આશા ભોસલે, મહેન્દ્ર કપૂર જેવાં આલા દરજ્જાનાં ગાયકો પાસે તેમણે પોતે સ્વરાંકન કરેલાં ગુજરાતી ગીતો ગવડાવ્યાં છે.






