VIDEO: સલમાન ખાનના જીમમાં અચાનક લાગી આગ: અફરાતફરી વચ્ચે તમામ લોકોને સુરક્ષિત બહાર કઢાયા
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનના ફિટનેસ બ્રાન્ડ સાથે જોડાયેલા એક જીમમાં અચાનક આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશ-1માં ગુરુવારે રાત્રે બની હતી. જીમમાં આગ લાગ્યા બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદ્નસીબે સમયસર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેનાથી એક મોટી હોનારત ટળી ગઈ અને કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 10:15 વાગ્યે બની હતી. જીમના પહેલા માળે અચાનક આગની જ્વાળાઓ ઊઠતી જોઈને અફરાતફરી મચી ગઈ હતી. જાણ થતાં જ દિલ્હી પોલીસે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ જીમમાં હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ સમયસર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો અને તેને આસપાસની દુકાનો કે ઈમારતોમાં ફેલાતી રોકી લીધી હતી.
આગની ઘટના બાદ તપાસમાં જોતરાયેલી પોલીસ
પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગનું કારણ શોર્ટ સરકિટ હોઈ શકે છે, જોકે પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાચા કારણોની જાણકારી મેળવવામાં જોતરાયેલી છે. અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે આ જીમ સલમાન ખાનની ફિટનેસ બ્રાન્ડ હેઠળ જ ચલાવવામાં આવી રહ્યું છે. સલમાન ખાન દેશમાં ફિટનેસના મોટા આઇકોન માનવામાં આવે છે અને અવારનવાર પોતાના ફેન્સને તંદુરસ્ત રહેવાની સલાહ આપે છે. તાજેતરમાં જ તેમણે પોતાના સુંદર બોડી ટ્રાન્સફોર્મેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેણે તેમના ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
ફોરેન્સિક ટીમ આગ લાગવાનું કારણ શોધી રહી છે
ઘટના બાદ પોલીસે પ્રભાવિત વિસ્તારને સીલ કરી દીધો છે અને ફોરેન્સિક તથા ટેકનિકલ ટીમો ઘટનાસ્થળની તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સરકિટને જ આગનું કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર રીતે પૂરી પરિસ્થિતિ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

