આસામ પૂરગ્રસ્તો માટે સલમાન ખાનની મોટી પહેલ, 500 ઘર બનાવવાના 'આશિયાના' અભિયાનમાં જોડાયો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન આસામમાં આવેલા વિનાશક પૂરમાં ઘરવિહોણા બનેલા પરિવારોની મદદ માટે આગળ આવ્યો છે. તેણે 'આશિયાના - હોપ બિગિન્સ વિથ અ સેફ શેલ્ટર' અભિયાન સાથે જોડાઈને પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ લીધો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ એવા પરિવારોને ફરીથી વસવાટ માટે ઘર પૂરું પાડવાનો છે, જેમણે પૂરની આપત્તિમાં પોતાનું બધું જ ગુમાવ્યું છે. સલમાન ખાનના આ પગલાની સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેને 'રીયલ લાઇફ હીરો' ગણાવી રહ્યા છે.
પ્રથમ તબક્કામાં 220 ઘર તૈયાર, લક્ષ્ય 500 ઘર બનાવવાનું
આ અભિયાન હેઠળ આસામના નેપાલી ખુટી વિસ્તારમાં ઘર બનાવવાનું કામ પહેલેથી જ શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં અંદાજે 220 અર્ધ-કાયમી (સેમી-પરમનેન્ટ) મકાનો તૈયાર કરવામાં આવ્યા છે, જેના કારણે અનેક ઘરવિહોણા પરિવારોને સુરક્ષિત આશ્રય મળ્યો છે. સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત કુલ 500 ઘર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે, જેથી સેંકડો પરિવારો ફરીથી સુરક્ષા, સન્માન અને આશા સાથે પોતાનું જીવન શરૂ કરી શકે.
રાહત કામગીરી અંગે વાત કરતા સલમાન ખાને કેટલાક દિવસો પહેલાં કહ્યું હતું કે, 'તમે લોકો ચિંતા કરશો નહીં. હાલના સમયે શિવસાગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત છે અને તેનું મુખ્ય કેન્દ્ર નેપાલી ખુટી વિસ્તાર છે. મકાન નિર્માણના પ્રથમ તબક્કામાં 220 ઘર બનીને તૈયાર થઈ ગયા છે અને અમે આ મકાનો દરેક પરિવારને સોંપી રહ્યા છીએ. અમે એક દિવસમાં આઠથી દસ ઘર બનાવી શકીએ છીએ.'
સમાજસેવામાં હંમેશા આગળ રહે છે સલમાન ખાન
સલમાન ખાન માત્ર ફિલ્મોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સમાજસેવાના અનેક કાર્યો માટે જાણીતો છે. કેન્સરના દર્દીઓની મદદ કરવી હોય, જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવો હોય કે કુદરતી આપત્તિમાં પીડિતોની સહાય કરવી હોય, તે હંમેશા મદદ માટે આગળ રહે છે. આસામ પૂરગ્રસ્તો માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં તેનું સમર્થન મળતા વધુ લોકો પણ મદદ માટે પ્રેરિત થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અન્ય કલાકારો પણ આવ્યા મદદ માટે આગળ
આસામના પૂરથી પ્રભાવિત લોકોની મદદ માટે સલમાન ખાન ઉપરાંત અન્ય અનેક કલાકારો પણ આગળ આવ્યા છે. અભિનેતા રણદીપ હુડ્ડાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને રાહત સામગ્રી અને રાશનનું વિતરણ કર્યું છે, જ્યારે અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ રાહત કામગીરીમાં સક્રિય રીતે જોડાઈ છે. આ તમામ પ્રયાસોથી પૂરગ્રસ્ત પરિવારોને ફરીથી સામાન્ય જીવન તરફ પાછા ફરવામાં મદદ મળી રહી છે.

