ગ્લોબલ બોક્સ ઓફિસ પર છવાઈ જશે 'રામાયણ'! ' 59,000 સ્ક્રીન પર રિલીઝ થશે રણબીર કપૂરની 'રામાયણ'!

નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી 'રામાયણ'ને લઈને સોશિયલ મીડિયા પર ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મને લઈને સતત નવી અપડેટ્સ પણ સામે આવી રહી છે. રિલીઝ પહેલાં જ આ ફિલ્મ ઇતિહાસ રચતી નજરે પડી રહી છે. અહેવાલો મુજબ, આ ફિલ્મ ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી મોટી થિયેટ્રિકલ રિલીઝ બનવા જઈ રહી છે.
50 હજાર સ્ક્રીન પર રિલીઝ થશે 'રામાયણ'
ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે માહિતી આપી છે કે 'રામાયણ'ના ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશનની જવાબદારી સોની પિક્ચર્સ સંભાળી રહી છે અને ફિલ્મને રેકોર્ડબ્રેક ગ્લોબલ રિલીઝ આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ફિલ્મ વિદેશોમાં 50,000 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે, જે કોઈપણ ભારતીય ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી ઇન્ટરનેશનલ રિલીઝ હશે.
બીજી તરફ, ભારતમાં આ ફિલ્મ લગભગ 9,000 સ્ક્રીન પર રિલીઝ થાય તેવી શક્યતા છે. આમ, વિશ્વભરમાં 'રામાયણ' આશરે 59,000 સ્ક્રીન પર રિલીઝ થઈ શકે છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિલીઝ માનવામાં આવશે.
જો આ રિલીઝ પ્લાન સફળ રહેશે, તો 'રામાયણ' સ્ક્રીન કાઉન્ટની બાબતમાં ઘણી મોટી ભારતીય ફિલ્મોના રેકોર્ડ તોડી નાખશે. રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા 2: ધ રૂલ' વિશ્વભરમાં આશરે 12 થી 13 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ હતી, જ્યારે એસ. એસ. રાજામૌલીની 'RRR' લગભગ 10 થી 11 હજાર સ્ક્રીન પર રિલીઝ થઈ હતી.
ઇંગ્લિશ લિપ-સિંક ટ્રેલર રિલીઝ
મેકર્સે ફિલ્મનું ઇંગ્લિશ લિપ-સિંક ટ્રેલર પણ જારી કર્યું છે, જેનાથી ઇન્ટરનેશનલ ઓડિયન્સને આ મોટા પ્રોજેક્ટની ઝલક મળી છે. નિર્માતા નમિત મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, 'રામાયણ'ને IMAX સહિત અનેક પ્રીમિયમ ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવશે.
તેમજ તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 'રામાયણ' ફિલ્મના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જો આ ફિલ્મ ઓસ્કાર નહીં જીતે તો તેમને નિરાશા થશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'રામાયણ'માં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા 'સીતા', યશ 'રાવણ' અને સની દેઓલ 'હનુમાન'ના રોલમાં જોવા મળશે. આ સિવાય પણ ફિલ્મમાં ઘણા મોટા કલાકારો એકસાથે નજરે પડશે. આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થશે. પહેલો ભાગ 6 નવેમ્બર 2026 ના રોજ સિનેમાઘરોમાં આવશે, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 પર રિલીઝ કરવામાં આવશે.

