Rashmika Mandanna અને Vijay Deverakonda આ તારીખે ઉદયપુરમાં લેશે સાત ફેરા, સોશિયલ મીડિયા પોસ્ટ કરી લગ્ન કર્યા કન્ફર્મ

સાઉથ સિનેમાના બે મોટા સ્ટાર્સ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના છેલ્લા ઘણા સમયથી તેમના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં હતા. તેમના લગ્ન ઉદયપુરમાં થવાના હોવાના અહેવાલો સામે આવ્યા હતા. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર લગ્નનું એક ઇન્વિટેશન કાર્ડ પણ વાયરલ થયું હતું. જોકે, આ બધું હોવા છતાં બંનેના લગ્ન પર સસ્પેન્સ યથાવત હતું. પણ હવે આ કપલે તે સસ્પેન્સનો અંત લાવી દીધો છે.
કન્ફર્મ થયા રશ્મિકા-વિજયના લગ્ન
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ એક જોઈન્ટ નોટ જાહેર કરીને તેમના લગ્નની પુષ્ટિ કરી છે. બંનેએ જણાવ્યું કે તેમના લગ્નને સત્તાવાર રીતે 'ધ વેડિંગ ઓફ VIROSH' કહેવામાં આવશે. આ નામ પાછળ કોઈ વેડિંગ પ્લાનર કે પારિવારિક પરંપરા નથી, પરંતુ આ નામ ચાહકોએ વર્ષો પહેલા બંનેના નામ જોડીને પ્રેમથી આપ્યું હતું. જે નામ પહેલા ફેન્સ તરફથી મળ્યું હતું, તે ધીરે ધીરે પ્રેમ અને લાગણીનું પ્રતીક બની ગયું અને હવે તેમના જીવનની સૌથી મોટી ક્ષણની ઓળખ બની ગયું છે.

કપલે કહ્યું કે લગ્નનું પ્લાનિંગ થયું તે પહેલા જ ફેન્સે તેમના સંબંધને એક નામ અને અર્થ આપી દીધો હતો. હવે આ જ નામને લગ્નનું નામ આપીને રશ્મિકા અને વિજયે દર્શાવ્યું છે કે ચાહકો માત્ર પ્રેક્ષકો નથી, પરંતુ તેમની આ ખુશીનો એક હિસ્સો છે.
કપલે તેમની નોટમાં લખ્યું:
'અમારા સૌથી વહાલા ચાહકો, જ્યારે અમે કોઈ પ્લાનિંગ નહોતું કર્યું, જ્યારે અમે અમારા માટે કંઈ નક્કી નહોતું કર્યું, ત્યારે તમે અમારી સાથે હતા. ખૂબ જ પ્રેમ સાથે તમે અમને એક નામ આપ્યું - ‘VIROSH’. આજે પૂરા દિલથી અમે અમારી આ શરૂઆત તમને સમર્પિત કરીએ છીએ. અમે તેને ‘ધ વેડિંગ ઓફ VIROSH’ નામ આપવા માંગીએ છીએ. અમને આટલા પ્રેમથી સાથ આપવા બદલ આભાર. તમે હંમેશા અમારો હિસ્સો રહેશો. ખૂબ જ પ્રેમ.'
ક્યારથી શરૂ થઈ રશ્મિકા-વિજયની લવ સ્ટોરી?
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પહેલીવાર વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ગીતા ગોવિંદમ'માં સાથે કામ કર્યું હતું. આ દરમિયાન તેમની બીજી ફિલ્મ 'ડિયર કોમરેડ' પણ રિલીઝ થઈ હતી. તે સમયગાળા દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને સંબંધની શરૂઆત થઈ. રશ્મિકા અને વિજય ઘણીવાર એકસાથે જોવા મળતા હતા, પરંતુ બંનેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નહોતો.
હવે લગભગ 8 વર્ષ સુધી એકબીજાને જાણ્યા પછી, રશ્મિકા અને વિજય હંમેશા માટે એકબીજાના થવા જઈ રહ્યા છે. આ ક્ષણ તેમના ફેન્સ માટે ખૂબ જ ઈમોશનલ છે.

