'Dhurandhar' માં 26/11ના સીન બાદ આવી હતી અક્ષય અને અર્જુનની હાલત, આર. માધવને યાદ કર્યા શૂટિંગના દિવસો

રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી. ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો, ફિલ્મે વિશ્વભરમાં 1400 કરોડ રૂપિયાની કમાણી કરી. હવે ફેન્સ તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે સારા અર્જુન, આર. માધવન, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને સંજય દત્ત જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકાઓમાં હતા. દર્શકોને ફિલ્મના દરેક સીન ખૂબ ગમ્યા હતા, તેમાં 26/11ના હુમલાને દર્શાવતો એક સીન પણ સામેલ છે જેને જોઈને દર્શકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. હવે એવું બહાર આવ્યું છે કે આ સીન કર્યા પછી અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ પણ રડી પડ્યા હતા.
આર. માધવને ફિલ્મ 'ધુરંધર' માં ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા અજય સાન્યાલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેનું ટ્રાન્સફોર્મેશન અદ્ભુત હતું અને લોકોને તેની એક્ટિંગ ખૂબ પસંદ આવી હતી. અભિનેતાએ તાજેતરમાં ફિલ્મમાં 26/11ના હુમલાના સીન વિશે વાત કરી હતી. 'ધુરંધર' માં અક્ષયે રહેમાન ડકેતની ભૂમિકા ભજવી હતી અને અર્જુન રામપાલે ISI મેજર ઈકબાલની ભૂમિકા ભજવી હતી. બંને પાકિસ્તાની પાત્રો હતા, પરંતુ સ્ટાર્સ માટે 26/11ના હુમલાને નજીકથી અનુભવવાનો આ પહેલો પ્રસંગ હતો.
આર. માધવને ખુલાસો કર્યો કે, "જ્યારે હમલાની ઉજવણીનો સીન શૂટ કરવામાં આવ્યો અને આદિત્ય ધરે કટ કહ્યું ત્યારે અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ રડવા લાગ્યા હતા. સીન પછી બંને સ્ટાર્સ ખૂબ રડ્યા હતા." તેણે કહ્યું કે, તેમના માટે તે ફક્ત અભિનય નહતો, તેઓએ તે દિવસોને ફરીથી જીવ્યા હતા, જૂની યાદો તાજી થઈ હતી. ત્યારબાદ, સેટ પર શાંતિ છવાઈ ગઈ હતી.
ફિલ્મમાં 26/11ના હુમલા દરમિયાન આતંકવાદીઓ વચ્ચેની વાતચીત દર્શાવવામાં આવી હતી
ફિલ્મ ધુરંધર માં 26/11ના હુમલાનું ચિત્રણ કરવામાં આવ્યું હતું. તેમાં આતંકવાદીઓની વાતચીતનો એક ઓડિયો પણ સામેલ હતો. તેમાં આતંકવાદીઓના હમલાની વાતચીત દર્શાવવામાં આવી હતી, તે સીન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તેમાં આતંકવાદીઓના અવાજ પણ સાંભળવા મળતા હતા.
'ધુરંધર' ની સિક્વલ ઈદ 2026 પર રિલીઝ થશે
દર્શકો આદિત્ય ધારની 'ધુરંધર' ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પહેલો ભાગ 5 ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થયો હતો. બીજો ભાગ હવે ઈદના અવસર પર રિલીઝ થશે. ફિલ્મનો બીજો ભાગ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થશે.

