Ranveer Singhને ધમકી આપનાર ગેંગસ્ટર Harry Boxer વિરુદ્ધ મુંબઈ પોલીસે જાહેર કરી લુક આઉટ નોટિસ

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હેરી બોક્સરે ₹10 કરોડની ખંડણી માંગી હતી. હવે આ મામલે મુંબઈ પોલીસે કડક કાર્યવાહી કરતા ગેંગસ્ટરના નામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.
એક તરફ રણવીર સિંહ તેની ફિલ્મ 'ધુરંધર'ની સફળતાનો આનંદ માણી રહ્યો છે, તો બીજી તરફ તેના અંગત જીવનમાં ખળભળાટ મચી ગયો છે. તેને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથી હેરી બોક્સર તરફથી ધમકીભર્યા મેસેજ મળ્યા છે. રણવીર પાસે ₹10 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, જેના પર હવે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક્શન લીધું છે.
ધમકીભર્યા વોઈસ નોટ બાદ પોલીસ એક્શનમાં
બિશ્નોઈ ગેંગના સભ્ય હરિચંદ્ર ઉર્ફે હેરી બોક્સર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જારી કરવામાં આવ્યું છે. પોલીસે રણવીર સિંહના મેનેજરને મળેલા ધમકીભર્યા વોઈસ નોટને વેરિફાઈ કરવા માટે પંજાબ અને હરિયાણા મોકલ્યો હતો. વોઈસ નોટ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ હેરી બોક્સર તરીકે આપી હતી અને ₹10 કરોડની માંગણી કરી હતી.
જ્યારે મુંબઈ પોલીસને આ ધમકીની જાણ થઈ, ત્યારે તેને પંજાબ અને હરિયાણા પોલીસ પાસે મોકલવામાં આવી હતી. ત્યાંથી પુષ્ટિ થઈ કે આ અવાજ હેરી બોક્સરનો જ છે, ત્યારબાદ FIR નોંધવામાં આવી હતી. મુંબઈ સાયબર પોલીસે રણવીર સિંહના મેનેજર વિજય સુબ્રમણ્યમની ફરિયાદના આધારે FIR નોંધી છે અને ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મેનેજરને એક આંતરરાષ્ટ્રીય નંબર (+340) પરથી કોલ આવ્યા હતા, જે વર્જિન આઇલેન્ડ્સનો કન્ટ્રી કોડ માનવામાં આવે છે. કોલ કરનારે પૈસાની માંગણી કરી અને ધમકીઓ આપી. આ ધમકીઓ બાદ રણવીર સિંહના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તેને શૂટિંગ માટે મુસાફરી કરતી વખતે સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. અહેવાલો મુજબ, 'બોક્સરે' લાંબી વોઈસ નોટમાં કહ્યું હતું કે જો તેની વાત માનવામાં નહીં આવે તો એક્ટરની આગામી સાત પેઢીઓ તેનું પરિણામ ભોગવશે.
હેરી બોક્સરે ધમકીમાં શું કહ્યું હતું?
વોઈસ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, "રણવીર સિંહ, તું કોઈ વાત કહીને ફરી ગયો છે ને, ઠીક છે... કાં તો તું એ વાત પર પાછો આવી જા, નહીં તો ફરી જવાની સજા શું હોય છે તે અમે તને બતાવીશું. એટલે તારા માટે આ વોઈસ નોટ છોડી રહ્યા છીએ... રોહિત શેટ્ટી અને તું લાઈન પર આવી જાવ... અને આખા બોલિવૂડને પણ કહી રહ્યા છીએ... આજે જે પોર્ટુગલમાં ફાયરિંગ કરાવ્યું છે, હું અને મારો ભાઈ મરીના ગ્રાન્ડ અને સુખદેવની દુકાન પર થયેલા ફાયરિંગની જવાબદારી લઈએ છીએ."
બિશ્નોઈ ગેંગના સભ્યો સામે નોંધાયેલી આ બીજી FIR છે. આ પહેલા 1 ફેબ્રુઆરીએ રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહાર પણ ફાયરિંગની ઘટના બની હતી. આ કેસની તપાસ કરી રહેલી એજન્સી (AEC) અત્યાર સુધીમાં શૂટર દીપક શર્મા સહિત 12 લોકોની ધરપકડ કરી ચુકી છે.

