કેનેડાના પૂર્વ PM જસ્ટિન ટ્રુડોને ડેટ કરી રહી છે પોપ સ્ટાર કેટી પેરી, જાપાનથી વાયરલ થઈ તસવીરો

હોલીવુડની પોપ સ્ટાર કેટી પેરીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેમની સાથે કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જોવા મળી રહ્યા છે. આ પોસ્ટથી બંનેના સંબંધો પર એક પ્રકારે સત્તાવાર મહોર લાગી ગઈ છે.
પોપ સ્ટાર કેટી પેરી અને કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આખરે પોતાના સંબંધોને વિશ્વ સમક્ષ સત્તાવાર રીતે જાહેર કર્યા છે. લાંબા સમયથી ચાલતી અફવાઓ વચ્ચે બંનેએ જાપાન ટૂરની ખાનગી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પોતાના પ્રેમ પર મહોર લગાવી દીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ સંબંધ હવે માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ સાચો છે.
કેટી પેરીએ શેર કરેલી તસવીરો
કેટી પેરી આ દિવસોમાં પોતાના ‘લાઇફટાઇમ્સ ટૂર’ પર છે અને આ જ દરમિયાન તેણે જાપાન ટૂરની તસવીરો શેર કરી. પોસ્ટમાં બંનેને એકસાથે સેલ્ફી લેતા, આર્ટ એક્ઝિબિશનનો આનંદ માણતા અને સાથે સમય વિતાવતા જોઈ શકાય છે. પેરીએ કેપ્શનમાં માત્ર લખ્યું – ‘ટોક્યો ટાઇમ્સ ઓન ટૂર એન્ડ મોર’ પરંતુ આ થોડાક શબ્દોએ તેમના સંબંધની તસવીર સંપૂર્ણપણે સ્પષ્ટ કરી દીધી.
કિશિદાની પોસ્ટએ બધું સ્પષ્ટ કરી દીધું
આ ટૂર દરમિયાન કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોએ જાપાનના પૂર્વ વડાપ્રધાન ફુમિઓ કિશિદા અને તેમની પત્ની યુકોને પણ મળ્યા હતા. કિશિદાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરીને લખ્યું કે ટ્રુડો પોતાની ‘પાર્ટનર’ સાથે તેમને મળવા આવ્યા હતા. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની ગઈ, કારણ કે આ પહેલાં બંનેએ પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો નહોતો.
કિશિદાએ આ મુલાકાત દરમિયાન ટ્રુડોના વડાપ્રધાન કાર્યકાળને પણ યાદ કર્યો અને જણાવ્યું કે બંનેએ મળીને જાપાન-કેનેડા સંબંધોને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે જસ્ટિન ટ્રુડોએ પણ કિશિદાનો આભાર માનતાં લખ્યું કે તે અને કેટી તેમને મળીને ખૂબ ખુશ છે.
કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોની પ્રેમ કહાની
કેટી પેરી અને જસ્ટિન ટ્રુડોની પ્રેમ કહાનીની શરૂઆત આ જ વર્ષે ઉનાળામાં થઈ હોવાનું કહેવાય છે, જ્યારે બંનેને પહેલી વાર મોન્ટ્રીયલમાં એકસાથે જોવામાં આવ્યા હતા. બંને પોતપોતાના પાછલા સંબંધોમાંથી અલગ થઈ ચૂક્યા હતા. પેરીનું ઓર્લાન્ડો બ્લૂમથી જૂનમાં અલગ થઈ હતી, જ્યારે ટ્રુડો પોતાની પત્ની સોફી ગ્રેગોરી સાથે ૧૮ વર્ષના લગ્ન પછી ૨૦૨૩માં અલગ થઈ ગયા હતા. બંનેના વ્યક્તિગત જીવનમાં આવેલા આ ફેરફારો વચ્ચે આ નવો સંબંધ ધીરે ધીરે આગળ વધ્યો અને હવે ખુલ્લેઆમ સામે આવી ગયો છે.
સૂત્રો અનુસારૉ ટ્રુડોએ પેરી પ્રત્યે ખાસ રુચિ દાખવી હતી અને પોતાના વ્યસ્ત સમયપત્રક છતાં કેલિફોર્નિયા સુધી મળવા ગયા હતા. કહેવાય છે કે બંને વચ્ચેની સરળ અને સ્વાભાવિક વાતચીતે જ આ સંબંધને મજબૂત બનાવ્યો છે. ઓક્ટોબરમાં પેરિસમાં યોજાયેલા એક કેબરે શોની બહાર બંનેની સાથેની પહેલી જાહેર ઝલક જોઈને જ ચાહકોએ અંદાજો લગાવી લીધો હતો કે કંઈક નવું તૈયાર થઈ રહ્યું છે.

