જેનિફર લોપેઝના ચોથા લગ્નનો પણ આવ્યો અંત, બીજી મેરેજ એનિવર્સરીના જ ફાઇલ કરી ડિવોર્સની અરજી
પોપ સિંગર અને અમેરિકન એક્ટ્રેસ જેનિફર લોપેઝ અને ડાયરેક્ટર બેન એફ્લેક

પોપ સિંગર અને અમેરિકન એક્ટ્રેસ જેનિફર લોપેઝ અને ડાયરેક્ટર બેન એફ્લેક પોતાના સંબંધોને બે વાર તક આપ્યા બાદ અલગ થઈ રહ્યા છે. યુએસ મીડિયા અનુસાર, જેનિફરે 20 ઓગસ્ટે છૂટાછેડા માટે અરજી કરી છે. બંનેએ વર્ષ 2022માં લાસ વેગાસમાં લગ્ન કર્યા હતા. આ બંને હોલિવૂડના પાવર કપલ તરીકે જાણીતા હતા. બંનેએ વર્ષ 2003માં પહેલીવાર એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની મુલાકાત ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી, તેમની જોડી એટલી પસંદ કરવામાં આવી હતી કે, લોકોએ તેમને 'બેનિફર'નું નામ આપ્યું હતું.
55 વર્ષીય હોલિવૂડ સ્ટાર જેનિફરના આ ચોથા લગ્ન હતા, તેણે 2022માં ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્ટાર અને તેના કરતા 2 વર્ષ નાના દિગ્દર્શક બેન એફ્લેક સાથે લગ્ન કર્યા હતા. બેનના આ બીજા લગ્ન હતા. બંનેની મુલાકાત 2002માં ફિલ્મ 'ગિગલી'ના સેટ પર થઈ હતી, ત્યારબાદ આ કપલ લોકોમાં સેન્સેશન બની ગયું હતું. લોકોએ આ જોડીને ખૂબ પસંદ કરી. થોડા દિવસોના ડેટિંગ પછી બંનેએ તેમની સગાઈની જાહેરાત કરી, આ સમાચાર પછી તેમના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ 2003માં લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર બંનેએ તેમના લગ્ન રોકી દીધા અને પછીથી 2004માં બંને એકબીજાથી અલગ થઈ ગયા.
વર્ષ 2021માં ફરી આવ્યા સાથે
જોકે, 2021માં, જ્યારે બંને ફરીથી સાથે જોવા મળ્યા ત્યારે ઇન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. તેમની સાથેની તસવીરો ઝડપથી ફરવા લાગી અને ઝડપથી શેર થઈ રહી છે. તે દરમિયાન લોપેઝ એક ઈન્ટરવ્યુમાં પણ જોવા મળી હતી, જ્યાં તેણે પોતાના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતું કે, "અમારી લવ સ્ટોરી ખૂબ જ સુંદર હતી, જેમાં અમને બીજી તક મળી છે." બંનેએ એપ્રિલ 2022માં સગાઈ કરી હતી અને તે જ વર્ષે જુલાઈમાં લાસ વેગાસમાં લગ્ન પણ કર્યા હતા. લગ્નના બીજા જ મહિને બંનેએ એક ભવ્ય પાર્ટી સાથે તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા હતા. બંનેની રિસેપ્શન સેરેમની 3 દિવસ સુધી ચાલી હતી, જેમાં ઘણા હોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો.
60 મિલિયન ડોલરનું ઘર ખરીદ્યું
એવા સમાચાર હતા કે, બંનેએ વર્ષ 2023માં લોસ એન્જલસમાં $60 મિલિયનનું ઘર પણ ખરીદ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં બંને વચ્ચે અણબનાવના સમાચાર આવવા લાગ્યા હતા, આ સમાચારે તે સમયે જોર પકડ્યું હતું જ્યારે ગયા મહિને તેનો પતિ લોપેઝના જન્મદિવસમાં હાજર રહ્યો ન હતો. સેલિબ્રિટી ગોસિપ વેબસાઈટ TMZએ જણાવ્યું કે, બંનેએ પરસ્પર સમજણથી પોતાનું ઘર વેચી દીધું. TMZના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, છૂટાછેડાના પેપરમાં બંનેના અલગ થવાની તારીખ 26 એપ્રિલ, 2024 લખવામાં આવી છે.
લોપેઝે 3 લગ્ન તો એફ્લેકે 1 લગ્ન કર્યા હતા
બંનેએ હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. એફ્લેક પહેલા, લોપેઝે ત્રણ વખત લગ્ન કર્યા હતા, જેમાંથી પહેલા લગ્ન અભિનેતા ઓજાની નોહ સાથે, બીજો ડાન્સર ક્રિસ જુડ સાથે અને ત્રીજો ગાયક માર્ક એન્થોની સાથે કર્યા હતા. તેને માર્ક સાથે જોડિયા બાળકો મેક્સ અને એમી છે. એફ્લેકે લોપેઝ પહેલા અભિનેત્રી જેનિફર ગાર્નર સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેને ત્રણ બાળકો છે, વાયોલેટ, સેરાફિના અને સેમ્યુઅલ.








