મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

અમે કન્ટેન્ટ ચેક કરી રહ્યા છીએ... ‘IC 814 કંધાર હાઇજેક’ વિવાદ પર Netflixએ સરકારને આપી ખાતરી

અનુભવ સિંહા દ્વારા નિર્દેશિત વેબ સીરિઝ 'IC 814: ધ કંધાર હાઇજેક' 29

અમે કન્ટેન્ટ ચેક કરી રહ્યા છીએ... ‘IC 814 કંધાર હાઇજેક’ વિવાદ પર Netflixએ સરકારને આપી ખાતરી

અનુભવ સિંહા દ્વારા નિર્દેશિત વેબ સીરિઝ 'IC 814: ધ કંધાર હાઇજેક' 29 ઓગસ્ટના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. સ્ટ્રીમ થતાની સાથે જ સીરિઝ સોશિયલ મીડિયા પર દિગ્દર્શક તરફથી ઘણા વિવાદો અને ટીકાઓનો સામનો કરી રહી છે. સીરિઝમાં આતંકવાદીઓના નામ બદલવા પર લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે, વાસ્તવિક ઘટનાઓ પર આધારિત સીરિઝમાં આતંકવાદીઓના નામ હિન્દુ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યારે તે બધા મુસ્લિમ હતા.

સીરિઝ પર વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને સોમવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ કન્ટેન્ટ હેડને સમન્સ પાઠવ્યું હતું અને વેબ સીરિઝ સાથે જોડાયેલા વિવાદિત તથ્યો પર સ્પષ્ટતા પણ માગી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે, Netflix કન્ટેન્ટ હેડ મોનિકા શેરગિલ મંત્રાલય પહોંચી છે. જ્યાં તે મંત્રાલયના સચિવને મળશે. આ બેઠક 'IC-814: ધ કંધાર હાઇજેક' સીરિઝના વિવાદને લઈને થઈ રહી છે, જેને સરકાર ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. સીરિઝમાં પાંચ આતંકવાદીઓને બતાવવામાં આવ્યા છે અને તે તમામ નામ બદલી નાખવામાં આવ્યા છે.

અધિકારીઓ અને Netflix કન્ટેન્ટ હેડ વચ્ચેની એક કલાક સુધી ચાલી બેઠક

કહેવામાં આવી રહ્યું છે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને Netflixના કન્ટેન્ટ હેડ વચ્ચે લગભગ એક કલાક સુધી ચાલેલી બેઠક સમાપ્ત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, Netflixએ સરકારને ખાતરી આપી છે કે, ભારતના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને જ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ અપલોડ કરવામાં આવશે. ‘IC 814’ વેબ સીરિઝના કિસ્સામાં પણ, Netflix ટીમે કહ્યું કે, તેઓ અત્યંત કાળજી સાથે કન્ટેન્ટનું મૂલ્યાંકન કરી રહ્યા છે.

સીરિઝમાં આતંકવાદીઓના નામ સાથે છેડછાડ

આ સીરિઝની સ્ટોરી વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેન હાઇજેકની સાચી ઘટના પર આધારિત છે, જેના કારણે ડાયરેક્ટર પર સીરિઝમાં હાઈજેકર્સના ખોટા નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. કેટલાક ટીકાકારોએ તેમની નારાજગી વ્યક્ત કરી છે અને માને છે કે, આવા ચિત્રણ ઐતિહાસિક સત્યોને ખોટી રીતે રજૂ કરી શકે છે અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. અગાઉ, કેન્દ્રએ OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ હેડને બોલાવ્યા હતા અને સ્પષ્ટ કહ્યું હતું કે, દેશવાસીઓની ભાવનાઓ સાથે રમવાનો કોઈને અધિકાર નથી.

આ સમગ્ર મામલે સરકાર ખૂબ જ ગંભીર
ઉપરાંત, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, તેઓ આ સીરિઝના વિવાદાસ્પદ ભાગો પર તેમના મંતવ્યો રજૂ કરવા માગે છે. જેમાં 1999માં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન 'હરકત-ઉલ-મુજાહિદ્દીન' દ્વારા ભારતીય એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરવાની ઘટના બતાવવામાં આવી છે. ANIએ સરકારી સૂત્રોને ટાંકીને કહ્યું કે, 'કોઈને પણ આ દેશના લોકોની ભાવનાઓ સાથે રમવાનો અધિકાર નથી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું હંમેશા સન્માન કરવું જોઈએ. કોઈ વાતને ખોટી રીતે રજૂ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ. સરકાર તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. હાલ સીરિઝને પ્રેક્ષકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે અને કેટલાક તેને OTTમાંથી દૂર કરવાની માગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો