મિથુન ચક્રવર્તીને મળશે દાદાસાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
આ વર્ષે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામ

આ વર્ષે મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના ઓફિશિયલ X (પહેલા ટ્વિટર)ના એકાઉન્ટ પર તેની એનાઉન્સમેન્ટ કરી છે. તેમણે લખ્યું, અમને આ એનાઉન્સ કરતાં ગર્વ થાય છે કે, દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ ભારતીય સિનેમામાં તેમના પ્રતિષ્ઠિત યોગદાન બદલ આ વર્ષે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે. મિથુન ચક્રવર્તીને આ સન્માન 8 ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે.
350થી વધુ ફિલ્મો કરી, 3 નેશનલ એવોર્ડ જીત્યા
મિથુન ચક્રવર્તીનો જન્મ 16 જૂન 1950ના રોજ કોલકાતામાં થયો હતો. તેમનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી છે. મિથુન દાએ 1976માં આવેલી આર્ટ ફિલ્મ ‘મૃગ્યા’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેમને પહેલો નેશનલ એવોર્ડ મળ્યો હતો. મિથુનને તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. તેમને 1993ની ફિલ્મ ‘તાહાદર કથા’ માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર 1996ની ફિલ્મ ‘સ્વામી વિવેકાનંદ’ માટે મળ્યો હતો. લગભગ 4 દાયકાની અભિનય કારકિર્દીમાં મિથુન દાએ બંગાળી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, ઉડિયા અને ભોજપુરી જેવી ઘણી ભાષાઓમાં 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
મિથુન ચક્રવર્તીને જાન્યુઆરી 2024માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. મિથુનની ગણતરી ભારતીય સિનેમાના ઈતિહાસના મહાન અભિનેતાઓમાં થાય છે. મિથુન એકમાત્ર એવો અભિનેતા છે જેને તેની પહેલી જ ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. મિથુન દા 80-90ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા. મિથુન ચક્રવર્તીની છેલ્લી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 2022ની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ હતી. આ સિવાય તે બંગાળી ફિલ્મો ‘પ્રજાપતિ’ અને ‘કાબુલીવાલા’માં જોવા મળ્યો છે.
મિથુન ચક્રવર્તીની વર્ષ 1989માં 19 ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. તેમના આ રેકોર્ડનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે. આ ઘટનાને લગભગ 35 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી કોઈ અભિનેતા આ રેકોર્ડ તોડી શક્યો નથી. 1982ની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ 100 કરોડની કમાણી કરનારી હિન્દી સિનેમાની પહેલી ફિલ્મ છે.
મેં ક્યારેય આની કલ્પના નહોતી કરીઃ મિથુન ચક્રવર્તી
દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત થવાની એનાઉન્સમેન્ટ પર અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ કહ્યું, "મારી પાસે કોઈ શબ્દો નથી... મેં ક્યારેય આની કલ્પના પણ કરી ન હતી. હું આ મારા પરિવાર અને વિશ્વભરના મારા ફેન્સને સમર્પિત કરું છું."
ગયા વર્ષે વહીદા રહેમાનને મળ્યું હતું આ સન્માન
વર્ષ 2023માં દિગ્ગજ એક્ટ્રેસ વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ મેળવનાર તે 8મી મહિલા હતી. તેમના પહેલા દેવિકા રાની, રૂબિ મેયર્સ, કાનન દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર, આશા ભોંસલે અને આશા પારેખને આ એવોર્ડ મળ્યો છે.








