VIDEO: મનોજ મુંતશિરનો સણસણતો પ્રહાર: “હું ક્યારેય જંતર-મંતર નહીં જાઉં, કેમ કે...
ગીતકાર અને લેખક મનોજ મુંતશિરે જણાવ્યું કે તેઓ વિદ્યાર્થીઓની ચિંતાઓના સમર્થનમાં છે, પરંતુ દિલ્હીના જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લે. તેણે આનું કારણ પણ આપ્યું હતું. તેમણે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જે લોકોએ આ આંદોલન પર કબજો કરી લીધો છે, તેઓ તેમના વિચારો સાથે સહમત નથી.
'તેની સાથે ઊભા રહેવું મને યોગ્ય નહીં લાગે' - મનોજ
મનોજ મુંતશિરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, "હું ક્યારેય જંતર-મંતર નહીં જાઉં. કેમ? એટલા માટે નહીં જાઉં કારણ કે જે લોકો અત્યારે જંતર-મંતરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, માફ કરજો, તેઓ એવા લોકો નથી જેના પડખે ઊભા રહેવું મને યોગ્ય લાગે. આ દેશના યુવાનો કૉકરોચ જનતા પાર્ટી કરતાં વધુ સારા ભવિષ્યના હકદાર છે."
'આખું સિસ્ટમ જવાબદાર છે' - મનોજ
મનોજ મુંતશિરે કહ્યું કે કથિત નીટ (NEET) પેપર લીક એક એવો મુદ્દો છે જેનો બચાવ થઈ શકે તેમ નથી. તેમણે ઉમેર્યું, "આ દુનિયામાં એવું કોણ કહી શકે કે જો નીટનું પેપર લીક થયું તો તે બહુ સારું થયું? કોણ બોલશે આવું? આ ખોટું થયું છે. જો એક પણ બાળકના જીવને નુકસાન થાય, તો તે આખી સિસ્ટમની જવાબદારી છે."
CJPના વિરોધ પ્રદર્શન સામે વાંધો કેમ છે?
મનોજ મુંતશિરે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ CJPના વિચારો સાથે કેમ સહમત નથી. તેમણે કહ્યું, "શું જંતર-મંતર પર નીટની વાત થઈ રહી છે? ભાષણો હું પણ સાંભળી રહ્યો છું અને ત્યાં કેવા લોકો આવી રહ્યા છે તે પણ જોઈ રહ્યો છું. 'ભારત તેરે ટુકડે હોંગે' વાળા લોકો ત્યાં આવી રહ્યા છે. 'કશ્મીર ભારતનો ભાગ નથી' કહેનારા લોકો... ખૂબ જ જવાબદારી સાથે હું તેને દેશદ્રોહી કહી રહ્યો છું."
લોકોએ ઇન્ટરવ્યુ પર પ્રતિક્રિયા આપી
મનોજ મુંતશિરનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને પગલે કેટલાક લોકો આ વિરોધ પ્રદર્શનથી દૂર રહેવાના તેના નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "હા, તમારે ત્યાં ન જવું જોઈએ. તમારા જેવા લોકોએ વિરોધ પ્રદર્શનોથી દૂર જ રહેવું જોઈએ કારણ કે તમારા જેવા મીડિયાવાળા જ આ દેશ પર સૌથી મોટો ડાઘ છે." જ્યારે બીજા એક યુઝરે લખ્યું, "આ એ જ વ્યક્તિ છે જેણે 'આદિપુરુષ' ફિલ્મમાં 'જલેગી તેરે બાપ કી' જેવા સંવાદો લખ્યા હતા. જેણે ટપોરી ભાષાનો ઉપયોગ કરીને રામાયણનું અપમાન કર્યું હતું, તે હવે બીજાને ઉપદેશ આપી રહ્યો છે?"

