આશા પારેખ અને શિવાજી સાટમને 'લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ'થી સન્માનિત કરશે મહારાષ્ટ્ર સરકાર
બોલિવૂડની પીઢ અભિનેત્રી આશા પારેખ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી

બોલિવૂડની પીઢ અભિનેત્રી આશા પારેખ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લેતી હતી. આશાને સ્ક્રીન પર જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોતા હતા. “કટી પતંગ”, “તીસરી મંઝિલ” અને “કારવાં” જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતી પીઢ અભિનેત્રી આશા પારેખને મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘રાજ કપૂર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.
આશા પારેખ સાથે C.I.Dમાં ACP પ્રદ્યુમનની ભૂમિકા માટે પ્રખ્યાત ટીવી અભિનેતા શિવાજી સાટમની પણ રાજ્ય સરકાર દ્વારા 'ચિત્રપતિ વી શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ' માટે પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન 21 ઓગસ્ટની સાંજે NSCI ડોમ, વર્લી, મુંબઈ ખાતે કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર આ કાર્યક્રમમાં ભાગ લેશે.
આશા સાથે, તેઝાબ અને અંકુશ ફિલ્મો માટે પ્રખ્યાત નિર્દેશક એન. ચંદ્રાને પણ 'રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ' આપવામાં આવશે, જ્યારે લેખક-દિગ્દર્શક દિગ્પાલ લાંજેકરને 'ચિત્રપતિ વી શાંતારામ સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવશે. લાંજેકરે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર બનેલી અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે, જેમાં ફિલ્મ 'પાવનખંડ' પણ સામેલ છે. આશા પારેખ અને સાટમને આપવામાં આવેલા પુરસ્કારોમાં 10-10 લાખ રૂપિયા રોકડ, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિન્હનો સમાવેશ થાય છે.






