ઓસ્કાર 2025ની રેસમાંથી બહાર થઈ કિરણ રાવની 'લાપતા લેડીઝ', ટોપ 15માં પણ ન પહોંચી
ભારત દ્વારા ઓસ્કાર માટે પસંદ કરાયેલ કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ ફિલ્મને ભારતમાં

ભારત દ્વારા ઓસ્કાર માટે પસંદ કરાયેલ કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ ફિલ્મને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. નાના બજેટની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. પરંતુ 'લાપતા લેડીઝ' આ કેટેગરીમાં પસંદ થયેલી 15 ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન નથી મેળવી શકી. હવે આ 15 ફિલ્મોમાંથી ટોપ 5 ફિલ્મોને ઓસ્કારની ફાઈનલ લિસ્ટ માટે પસંદ કરવામાં આવશે.
આ પણ વાંચો: 'મહાભારત' બનાવવાથી કેમ ડરે છે આમિર ખાન? ડ્રીમ પ્રોજેક્ટને લઈને કરી મહત્ત્વની વાત
આ ફિલ્મની એન્ટ્રી
'લાપતા લેડીઝ' ઓસ્કરમાંથી બહાર થઈ ગઈ છે, જોકે યુકે દ્વારા મોકલવામાં આવેલી બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સુરી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સંતોષ'ને ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે. 'સંતોષ'માં શહાના ગોસ્વામી અને સુનીતા રાજવાર મુખ્ય ભૂમિકામાં છે.
કિરણ રાવની 'લાપતા લેડીઝ'ને ફોરેન કેટેગરીમાં મોકલવામાં આવી હતી. 23 સપ્ટેમ્બરે, ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ તેને ઓસ્કાર 2025માં મોકલવાની જાહેરાત કરી હતી. 'લાપતા લેડીઝ'માં રવિ કિશન, સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રાંટા અને નિતાંશી ગોયલ મહત્ત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે. આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બની છે. આ ફિલ્મની નવી સ્ટાર કાસ્ટે લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.
શોર્ટ ફિલ્મમાં ભારતની એન્ટ્રી
લેખક/નિર્દેશક એડમ જે. ગ્રેવ્સ અને સુચિત્રા મિત્તાઈની ફિલ્મ 'અનુજા'ને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર માટે છેલ્લી 15 ફિલ્મોની યાદીમાં પસંદ કરવામાં આવી છે. આ શોર્ટ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ગુનીત મોંગા છે. આ કેટેગરીમાં એવોર્ડની રેસમાં વિશ્વભરમાંથી 180 ફિલ્મોની પસંદગી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નિર્માતા ગુનીત મોંગાની ફિલ્મ 'ધ એલિફન્ટ વ્હિસ્પર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ તરીકે ઓસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યારથી 'અનુજા' પાસેથી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે.






