ક્યારે થશે ગોવિંદા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્ની સુનીતાએ આપી હેલ્થ અપડેટ સહિતની માહિતી
તાજેતરમાં જ ગોવિંદાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગતાં ઈજા થઈ હતી. જે બાદ તેને

તાજેતરમાં જ ગોવિંદાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી વાગતાં ઈજા થઈ હતી. જે બાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેના પગમાંથી ગોળી કાઢી નાખી. હાલ અભિનેતાની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેને શુક્રવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. અભિનેતાની પત્ની સુનીતા આહુજાએ આ અપડેટ આપ્યું છે.
ગોવિંદાને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે?
ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ અભિનેતાની તબિયત અંગે અપડેટ આપતાં કહ્યું કે, તેને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. સુનીતાએ કહ્યું, 'સરની તબિયત એકદમ સારી છે, આવતીકાલે 12 કે 1 વાગે સરને અહીંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આપની પ્રાર્થના અને પ્રેમથી સાહેબ જલ્દી સ્વસ્થ થઈ ગયા. દરેકનો ખૂબ ખૂબ આભાર. પહેલી નવરાત્રિ દરમિયાન સરનું ડ્રેસિંગ બદલાઈ ગયું હતું."
સુનીતાએ આગળ કહ્યું, "સર પણ કાલે 12થી 1 વાગ્યાની વચ્ચે નીચે આવશે અને તમે બધા તેમને મળી લેજો." ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા મળવાના સમાચારથી ફેન્સ ખૂબ જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે, ગોવિંદાને ગોળી વાગ્યા બાદ ફેન્સ તેની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ગોવિંદાને કેવી રીતે વાગી હતી ગોળી?
ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટોબરના રોજ સમાચાર આવ્યા હતા કે ગોવિંદાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે અને તેને ગોળી વાગી છે. બાદમાં કહેવામાં આવ્યું કે, અભિનેતા તેની લાઇસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે આકસ્મિક રીતે ગોળી વાગી હતી. ગોવિંદાના ભાઈ કીર્તિએ સમગ્ર ઘટના વિશેની દરેક વિગતો શેર કરી હતી.
ગોવિંદાના ભાઈ કીર્તિ કુમારે જણાવ્યું હતું કે, સવારે જ્યારે ગોવિંદાના પગમાં આકસ્મિક રીતે ગોળી વાગી હતી ત્યારે ગોવિંદાએ પોતે તેમને ફોન કરીને ઘટના વિશે અને તેમની સાથે શું થયું હતું તે વિશે જણાવ્યું હતું. કીર્તિએ કહ્યું કે, તેઓ તરત જ ગોવિંદાના ઘરે પહોંચ્યા અને ત્રણ-ચાર લોકોએ મળીને ગોવિંદાને તાત્કાલિક ક્રિટીકેર હોસ્પિટલમાં એડમિટ કરાવ્યો. ઓપરેશન બાદ ગોવિંદા હવે ઠીક છે અને ડૉક્ટરો તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યા છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.








