કરીના કપૂર કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ, કોર્ટે ફટકારી નોટિસ, આવું છે કારણ
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. મામલો પ્રેગ્નેન્સી પર લખવ

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂરને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. મામલો પ્રેગ્નેન્સી પર લખવામાં આવેલા તેના પુસ્તક સાથે જોડાયેલો છે. પુસ્તકના ટાઈટલમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરવાને લઈને એક વ્યક્તિએ તેના વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરી છે. તેથી આ સંબંધિત વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેના પહેલા એડિશનલ સેશન કોર્ટે આ મામલે અરજી દાખલ કરી હતી. જે બાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થનીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર આપ્યો છે.
હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ જારી કરીને 7 દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે. અરજીકર્તાઓએ કરીના પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે કરીના કપૂરે પોતાની પુસ્તક 'Kareena Kapoor Khan's Pregnancy Bible' માં 'બાઈબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે FIR નોંધવી જોઈએ.
કરીના કપૂર ખાન સિવાય અરજીના અન્ય રેસ્પોન્ડેન્ટ એમેઝોન ઓનલાઈન શોપિંગ, જગરનોટ બુક્સ અને પુસ્તકના સહ-લેખક છે. સૌથી પહેલા આ મામલે એન્થનીએ જબલપુરના એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કરીનાએ ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કેમ કે 'પવિત્ર પુસ્તક બાઈબલ'ની તુલના અભિનેત્રીની પ્રેગ્નેન્સી સાથે કરી શકાતી નથી.
કોર્ટે અભિનેત્રીને નોટિસ મોકલી
ક્રિસ્ટોફર એન્થોનીએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે કરીના કપૂર ખાને સસ્તી લોકપ્રિયતા મેળવવાના ઈરાદાથી આ પુસ્તક લખ્યું છે. પુસ્તકના કવર પર 'બાઇબલ' શબ્દનો ઉપયોગ વાંધાજનક છે. એન્થોનીની અરજી બાદ જસ્ટિસ ગુરપાલ સિંહ અહલુવાલિયાની સિંગલ જજની બેંચે કરીના કપૂર ખાનને નોટિસ મોકલી છે. અરજીમાં એન્થોનીએ આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની પણ માંગણી કરી છે. આવી સ્થિતિમાં કોર્ટે પુસ્તકો વેચનારા વિક્રેતાઓને પણ નોટિસ મોકલી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કેસની આગામી સુનાવણી 1 જુલાઈએ થવાની શક્યતા છે.
પુસ્તક શેના વિશે છે?
કરીના કપૂર ખાનનું પુસ્તક 'Kareena Kapoor Khan's Pregnancy Bible' 2021માં લૉન્ચ થયું હતું. આ પુસ્તકમાં અભિનેત્રીએ તેની પ્રેગ્નન્સી જર્ની વિશે વાત કરી છે. આ ઉપરાંત નવી માતાઓ અને ટૂંક સમયમાં માતા બનનારી મહિલાઓને માતૃત્વ અને બાળકોની સંભાળ રાખવાની ટીપ્સ પણ આપવામાં આવી હતી. આ પુસ્તકમાં, નવી માતાઓને આહાર, ફિટનેસ, સ્વ-સંભાળ અને નર્સરીની તૈયારી વિશે ટિપ્સ આપવામાં આવી છે. અદિતિ શાહ ભીંજયાનીએ કરીના કપૂર ખાન સાથે મળીને આ પુસ્તક લખ્યું છે.








