Vikram Bhatt અને પુત્રી Krishna સામે 13.5 કરોડની છેતરપિંડીનો આરોપ, મુંબઈ પોલીસે નોંધી FIR

ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની કાયદાકીય મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. હવે તેમની અને તેમની પુત્રી કૃષ્ણા ભટ્ટ વિરુદ્ધ 13.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ પર 30 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. હવે વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી સામે મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિક્રમ ભટ્ટ પર આરોપ છે કે તેમણે એક બિઝનેસમેન સાથે મોટી છેતરપિંડી કરી છે.
વિક્રમ ભટ્ટે એક ઉદ્યોગપતિ પાસેથી પૈસા લીધા હતા અને તેને અલગ-અલગ જગ્યાએ રોકીને સારા વળતરનો વાયદો કર્યો હતો. આ જ ઉદ્યોગપતિએ વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, વિક્રમ ભટ્ટ અને તેમના પરિવારે તેમને ઘણી ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે મનાવ્યા હતા. તેમને ખાતરી આપવામાં આવી હતી કે રોકાયેલા નાણાં પર મોટો નફો મળશે. પરંતુ ફરિયાદીને ન તો રોકાયેલા પૈસા મળ્યા કે ન તો નફો.
આર્થિક ગુના શાખા (EOW) ને કેસ ટ્રાન્સફર કરાયો
ઉદ્યોગપતિએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રીએ તેમની પાસેથી 13.5 કરોડ રૂપિયાની મોટી રકમ પડાવી લીધી અને છેતરપિંડી કરી. વિક્રમ ભટ્ટ અને તેમની પુત્રીએ જે વચન આપ્યું હતું તેમાંથી તેઓ ફરી ગયા હતા. આથી ફરિયાદીએ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. હવે આ મામલે ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ તપાસ શરૂ કરી છે. FIR નોંધાયા બાદ આ કેસ આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને પોલીસ નાણાકીય વ્યવહારોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
30 કરોડની છેતરપિંડીમાં પત્ની સાથે થઈ હતી ધરપકડ
આ પહેલા એક અન્ય કેસમાં વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ફસાયા હતા. બંનેની રાજસ્થાન પોલીસે 30 કરોડની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી હતી. રાજસ્થાનના ઈન્દિરા ગ્રુપ ઓફ કંપનીના માલિક ડો. અજય મુર્ડિયાએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની જેલમાં બંધ છે. તેમની સામે નોંધાયેલી FIR રદ કરવા માટે અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ રાજસ્થાન હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.
7 ડિસેમ્બર 2025થી જેલમાં બંધ છે વિક્રમ ભટ્ટ
વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની 7 ડિસેમ્બર 2025થી જેલમાં છે. તેમણે બે વખત જામીન અરજી કરી હતી, પરંતુ બંને વખતે તે ફગાવી દેવામાં આવી હતી. વિક્રમ ભટ્ટ એક જાણીતા ફિલ્મી પરિવારમાંથી આવે છે. તેમના પિતા પ્રવીણ ભટ્ટ પ્રખ્યાત સિનેમેટોગ્રાફર હતા. વિક્રમે 14 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઘણું નામ કમાવ્યું હતું, પરંતુ હવે વિક્રમની સાથે સમગ્ર ભટ્ટ પરિવારની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

