જાણીતા સંગીતકાર Abhijeet Majumdarનું નિધન, લાંબી માંદગી બાદ 54 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ઓડિશા સંગીત જગતનો જાણીતો ચહેરો, મ્યુઝિક ડાયરેક્ટર અને કંપોઝર અભિજીત મજુમદાર હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મહિનાઓ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આજે, રવિવાર 25 જાન્યુઆરી 2026ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ઓડિશા સંગીત જગતમાં મોટી ખોટ પડી છે અને ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે.
AIIMS ભુવનેશ્વરમાં ચાલી રહી હતી સારવાર
અભિજીત મજુમદાર છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી AIIMS ભુવનેશ્વરમાં તેમની સારવાર ચાલી રહી હતી. ચાહકો તેમના સાજા થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ લાંબી સારવાર બાદ આજે તેમનું નિધન થયું છે.
પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે શ્રદ્ધાંજલિ આપી
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કરતા લખ્યું:
"જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર અને ગીતકાર અભિજીત મજુમદારના નિધનના સમાચાર સાંભળીને અત્યંત દુખ થયું. ઓડિયા સંગીતની દુનિયામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. હું આ દુખની ઘડીમાં તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."
સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવનો ઘટનાક્રમ
ઓગસ્ટ 2025: 27 ઓગસ્ટે તેમની તબિયત અચાનક બગડી હતી. શરીરમાં સોડિયમ લેવલ ઘટવાને કારણે તેમને કટક હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સપ્ટેમ્બર 2025: હાલત ગંભીર થતા તેમને AIIMS ભુવનેશ્વર ખસેડાયા હતા. તેઓ કોમા જેવી સ્થિતિમાં હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
ઓક્ટોબર 2025: તબિયતમાં ફરી બગાડ થયો અને તેઓ સતત ડોક્ટરોની દેખરેખ હેઠળ રહ્યા.
નવેમ્બર-ડિસેમ્બર 2025: વર્ષના અંતમાં તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરના રોજ એવા સમાચાર પણ આવ્યા હતા કે તેમને ટૂંક સમયમાં રજા મળી શકે છે, જેનાથી ચાહકોમાં આશા જાગી હતી. જોકે, નવા વર્ષના પહેલા જ મહિનામાં તેઓ વિદાય લઈ ગયા.
અભિજીત મજુમદારની કારકિર્દી
અભિજીતે 2000ના દાયકાની શરૂઆતમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે 700 થી વધુ ગીતો કંપોઝ કર્યા હતા. તેમની જાણીતી ફિલ્મોમાં ‘લવ સ્ટોરી’, ‘સિસ્ટર શ્રીદેવી’, ‘ગોલમાલ લવ’, ‘સુંદરગઢ રા સલમાન ખાન’ અને ‘શ્રીમાન સૂરદાસ’ સામેલ છે. તેમનું સંગીત હંમેશા ઓડિયા ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં જીવંત રહેશે.

