રતન ટાટાના નિધન પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક, સલમાનથી લઈને કમલ હાસન સહિત આ સેલેબ્સે વ્યક્ત કર્યું દુઃખ
ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી. તે

ભારતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી. તેમણે બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત હતી. રતન ટાટાના નિધનના સમાચાર જાણ્યા બાદ દેશભરમાં શોકની લહેર છે. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતાં રતન ટાટાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
રતન ટાટાના નિધન પર શોક
સલમાન ખાન, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, અનન્યા પાંડે, ગૌહર ખાન, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, રોહિત શેટ્ટી, ભૂમિ પેડનેકર, કરણ જોહર, સુષ્મિતા સેન, અર્જુન કપૂર સહિત ઘણા સ્ટાર્સે રતન ટાટાને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી હતી. બધાએ રતન ટાટાને દેશના અસલી હીરો કહ્યા છે.
રતન ટાટાના નિધન પર સલમાન ખાને વ્યક્ત કર્યો શોક
રતન ટાટાના નિધનથી બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પણ આઘાતમાં છે. સુપરસ્ટારે પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને અશ્રુભીની આંખો સાથે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, "રતન ટાટાના નિધનથી ખૂબ જ દુઃખી છું."
રતન ટાટાના નિધન પર પ્રિયંકા ચોપરાએ લખ્યું...
અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કર્યું, "તમે તમારા દયાળુ સ્વભાવથી લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યા છે. નેતૃત્વ અને ઉદારતાનો તમારો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. આભાર, તમારો જુસ્સો અને તમારા સમર્પણ માટે, એ તમામ બાબતો માટે જે તમે દેશ માટે કર્યું છે. તમે અમારા બધા માટે પ્રેરણા છો અને તમારી ખૂબ જ યાદ આવશે, સર."
રિતેશ દેશમુખ શોકમાં ડૂબી ગયો
રતન ટાટાના નિધનથી રિતેશ દેશમુખને પણ ઊંડો આઘાત લાગ્યો છે. અભિનેતાએ પોસ્ટ શેર કરી લખ્યું- ‘અસા માણૂસ પુન્હા હોણે નાહી. આ જાણીને ખૂબ દુઃખ થયું કે રતન ટાટાજી હવે નથી રહ્યા, પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના. રેસ્ટ ઇન ગ્લોરી સર.’
અક્ષય કુમારે પણ પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું
અક્ષય કુમારે પોતાના એક્સ એકાઉન્ટ પર રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ લખ્યું, "દુનિયા એ માણસને અલવિદા કહી રહી છે જેણે માત્ર એક સામ્રાજ્ય કરતાં ઘણા વધારેનું નિર્માણ કર્યું છે. રતન ટાટાના નિધન વિશે સાંભળીને હૃદય તૂટી ગયું છે. તેમની દયા, નવીનતા અને નેતૃત્વનો વારસો પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. રેસ્ટ ઇન પીસ, એ ટ્રૂ લિજેન્ડ. ॐ શાંતિ."
સંજય દત્તે લખ્યું, ભારતે એક સ્વપ્નદ્રષ્ટા ગુમાવ્યો
જ્યારે સંજય દત્તે X પર પોસ્ટ કરીને રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “ભારતે આજે એક સાચા સ્વપ્નદ્રષ્ટાને ગુમાવ્યો છે. "તે પ્રામાણિકતા અને કરુણાના પ્રતીક હતા જેમના યોગદાનથી અસંખ્ય જીવન પ્રભાવિત થયા હતા."
અજય દેવગણે લખ્યું- સ્વપ્નદ્રષ્ટાના નિધનથી દુનિયા શોકમાં છે. રતન ટાટાનો વારસો હંમેશા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ભારત માટે તેમનું યોગદાન કલ્પના બહારનું છે. સરના આત્માને શાંતિ મળે.
રણદીપ હુડ્ડાએ લખ્યું- ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ, તેની અપાર સંપત્તિ માટે નહીં, પરંતુ તેના મૂલ્યો માટે. ક્યારેય પૈસાનો દેખાડો નથી કર્યો, પરંતુ હંમેશા સ્ટાર રહ્યા. તેમનું જીવન હંમેશા લોકોને પ્રેરણા આપતું રહેશે.
રતન ટાટાના નજીકનાં મિત્ર સિમી ગ્રેવાલ શોકમાં છે. તે તેના મિત્રના જવાથી ખૂબ જ દુઃખી છે. સિમીએ પોસ્ટમાં લખ્યું- તેઓ કહે છે કે, તમે જતા રહ્યા છો, તમારા જવાની ખોટની ભરપાઈ કરવી મુશ્કેલ થશે, મારા મિત્રને વિદાય.
આ કલાકારોએ પણ આપી રતન ટાટાને શ્રદ્ધાંજલિ
શ્રદ્ધા કપૂર, ઉર્વશી રૌતેલા સહિત અન્ય ઘણા સ્ટાર્સે પણ પોસ્ટ શેર કરીને રત્ના ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ રતન ટાટાના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે. જુનિયર એનટીઆર, પ્રભાસ, વિજય થલાપતિથી લઈને કમલ હાસને પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
રતન ટાટા ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ બિઝનેસ જગતમાં તેમનું નામ હંમેશા ટોચ પર રહેશે. અપાર સંપત્તિ હોવા છતાં, તેઓ જે સાદગી અને વિનમ્રતા સાથે જીવ્યા તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. રતન ટાટાને ભારતીય ઉદ્યોગના પિતા કહેવામાં આવે છે. તેમણે પોતાના વ્યક્તિત્વથી લોકોને પ્રભાવિત કર્યા. તેઓ 1991થી 2012 સુધી ટાટા ગ્રૂપના ચેરમેન હતા. તેમણે ટાટાને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવી.








