મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

'કુમકુમ ભાગ્ય'ની 'દાદી' પ્રખ્યાત અભિનેત્રી આશા શર્માનું 88 વર્ષની વયે નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા શો અને ફિલ્

'કુમકુમ ભાગ્ય'ની 'દાદી' પ્રખ્યાત અભિનેત્રી આશા શર્માનું 88 વર્ષની વયે નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા શો અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી આશા શર્મા હવે આ દુનિયામાં નથી. આશા શર્માનું 88 વર્ષની વયે અવસાન થયું છે. જોકે, તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અભિનેત્રીના મૃત્યુની પુષ્ટિ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) દ્વારા કરવામાં આવી છે અને CINTAAએ પણ શોક વ્યક્ત કર્યો છે. આશા શર્માના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આશાએ લોકપ્રિય ટીવી શો 'કુમકુમ ભાગ્ય' અને ફિલ્મ 'આદિપુરુષ'માં પણ કામ કર્યું હતું. તેમના નિધન પર ટીવી જગતની સાથે સાથે ફિલ્મી હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે.

એક વર્ષથી વધુ સમયથી હતાં પથારીવશ

આશા શર્મા એક વર્ષથી વધુ સમયથી પથારીવશ હતાં. અભિનેત્રી ટીના ઘાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, 'ગયા વર્ષે તેમની ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થયા બાદ તે 4 વખત પડી ગયા હતાં. તે ગયા એપ્રિલથી પથારીવશ હતાં. તેઓ સ્ટેજ પર પણ કામ કરવા તૈયાર હતાં. આશા શર્મા પોતાના અંતિમ શ્વાસ સુધી કામ કરવા માગતા હતાં. તે બેડ પર હતાં, પરંતુ તે ઘણી વાર મને કહેતા કે હું તેમને કોઈ એવો રોલ અપાવું જેમાં તેમને બેડ પર પડેલું પાત્ર ભજવવાનું હોય. નાદુરસ્ત હોવા છતાં તેમનો જુસ્સો અને ઉત્સાહ અકબંધ હતો.

‘આદિપુરુષ’ના ડિરેક્ટરે કહ્યું- ખૂબ જ દુઃખદ

ફિલ્મ 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉત પણ આશા શર્માના નિધનથી દુઃખી છે. તેણે કહ્યું, 'આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ કેટલા અદ્ભુત અભિનેત્રી અને વ્યક્તિ હતાં. આ સાંભળીને ખૂબ દુઃખ થયું. ઉલ્લેખનીય છે કે, આશાએ ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં માતા શબરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા પ્રભાસ ભગવાન રામના રોલમાં અને અભિનેત્રી ક્રિતિ સેનન માતા જાનકીના રોલમાં જોવા મળી હતી.

ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે પણ કર્યું કામ

'નુક્કડ' અને 'બુનિયાદ' જેવી સિરિયલો સિવાય આશાએ 'મહાભારત' (1997) અને 'કુમકુમ ભાગ્ય'થી પણ લોકપ્રિયતા મેળવી હતી. તે 'હમ તુમ્હારે હૈ સનમ', 'મુઝે કુછ કહેના હૈ', 'હમકો તુમસે પ્યાર હૈ' અને '1920' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યાં હતાં. દિવંગત અભિનેત્રીએ ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે ફિલ્મ 'દો દિશા'માં પણ કામ કર્યું હતું.

આ સમાચાર શેર કરો