₹2 કરોડના બજેટમાં ₹452 કરોડની કમાણી! બ્લોકબસ્ટર 'હનુમાન અંશ'ની અપાર સફળતા બાદ મેકર્સ વચ્ચે રાઈટ્સ મુદ્દે વિવાદ!

નીમ કરોલી બાબાના જીવન અને મહિમા આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી ચૂકી છે. માત્ર ₹2 કરોડના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ₹452.86 કરોડનું જંગી કલેક્શન કરીને સિનેમા જગતને ચોંકાવી દીધું છે. જોકે, આ અભૂતપૂર્વ સફળતાની ખુશી વચ્ચે હવે ફિલ્મના નિર્માતાઓ અને નિર્દેશક વચ્ચે ફિલ્મની ક્રેડિટ અને રાઈટ્સ (હકો)ને લઈને આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે.
ક્યાંથી શરૂ થયો વિવાદ?
ફિલ્મ રિલીઝ થયા બાદ તેમાં 21 વર્ષની ઉંમરે રોકાણ કરનારી સહ-નિર્માતા અનુપ્રિયા નાગર સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં સૌથી વધુ લાઈમલાઈટમાં આવી હતી. અહેવાલો અનુસાર, પ્રમોશન દરમિયાન બાકીના નિર્માતાઓ અને ડિરેક્ટરને બાજુ પર રાખીને અનુપ્રિયા નાગરને વધુ મહત્ત્વ મળવાને કારણે ટીમમાં નારાજગી શરૂ થઈ હતી. આ અણબનાવ એટલી હદે વધી ગયો છે કે તેની અસર હવે ફિલ્મના સંભવિત બીજા ભાગ (સિક્વલ) પર પણ પડી શકે છે.
ટીમ દ્વારા સત્તાવાર નિવેદન જાહેર
વિવાદ વકરતા ફિલ્મના નિર્દેશક ડૉ. વિશાલ ચતુર્વેદી અને નિર્માતા નમ્રતા જી. સિંહે 'સ્વામ્ભુ મીડિયા નેટવર્ક' તરફથી સત્તાવાર નિવેદન જારી કર્યું છે. જેમાં તેઓએ પોતાની જાતને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે કંપની વતી પબ્લિક રિલેશન્સ (PR), માર્કેટિંગ, એવોર્ડ્સ અને ભાગીદારી સંબંધિત તમામ નિર્ણયો લેવાનો સત્તાવાર અધિકાર માત્ર તેમની પાસે જ રહેશે.
કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “ધ્યાનમાં આવ્યું છે કે એક વ્યક્તિ ફિલ્મ સંબંધિત અધિકારો અંગે પોતાને અધિકૃત ગણાવી રહી છે, જ્યારે કોઈ પણ એક વ્યક્તિને આવા કોઈ વિશેષ હક આપવામાં આવ્યા નથી. ફિલ્મના થિયેટ્રિકલ, સ્ટ્રીમિંગ (OTT), મ્યુઝિક, સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ, ગેમિંગ અને લાયસન્સિંગ સહિતના તમામ રાઈટ્સના નિર્ણયો અગાઉ થયેલા પરસ્પર કરારો મુજબ જ લેવામાં આવશે.”
જણાવી દઈએ કે, કરોડોની અણધારી કમાણી કરનાર ફિલ્મ સફળતાના શિખરે પહોંચ્યા બાદ હવે આંતરિક ખેંચતાણ અને કાનૂની દાવપેચમાં ફસાતી જોવા મળી રહી છે.








